Gujarati News

Gujarati News

News of Friday, 25th May 2018

મેજર ગોગોઈ સામે કોર્ટ ઓફ ઇન્કવાયરીનો કરાયેલો આદેશ

તપાસના પરિણામના આધાર પર યોગ્ય નિર્ણય : હોટલ રૂમમાં મહિલાને લઇ જવાથી અટકાવવામાં આવ્યા બાદ મેજર ગોગોઇ વિવાદના ઘેરામાં : સકંજો વધુ મજબૂત

શ્રીનગર,તા. ૨૫ : હોટલમાં મહિલાને લઇ જવાથી રોકવામાં આવ્યા બાદ હોટલ કર્મચારીઓ સાથે ઝપાઝપી કરવાને લઇને મેજર લીતુલ ગોગોઈ પર સેનાએ કઠોર વલણ અપનાવ્યું છે. પહેલા સેના પ્રમુખ બીપિન રાવતે સાફ શબ્દોમાં કહ્યું હતું કે, જો મેજર ગોગોઈએ કોઇ ભુલ કરી છે તો તેમને યોગ્ય સજા આપવામાં આવશે. સેના પ્રમુખના નિવેદન બાદ સેનાએ મેજર ગોગોઈની સામે હવે કોર્ટ ઓફ ઇન્કવાયરીનો આદેશ આપી દીધો છે. ભારતીય સેનાને ટાંકીને અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, સેનાએ મેજર ગોગોઈની સામે કોર્ટ ઓફ ઇન્કવાયરીના આદેશ આપી દીધા છે અને પરિણામના આધાર પર યોગ્ય પગલા લેવામાં આવશે. આ પહેલા આર્મી વડા બિપીન રાવતે કહ્યું હતું કે, જો મેજર ગોગોઇએ કોઇ ખોટુ કામ કર્યું છે તો યોગ્ય પગલા લેવામાં આવશે. અત્રે નોંધનીય છે કે, પથ્થરબાજને જીપ પર બાંધીને ફરાવવામાં આવ્યા બાદ મેજર ગોગોઇ એક નવા વિવાદમાં આવી ગયા હતા. તેમના ઉપર આક્ષેપ છે કે, જમ્મુ કાશ્મીરના શ્રીનગરમાં એક હોટલમાં તેઓ મહિલાની સાથે ઘુસી ગયા હતા. આને લઇને પણ વિવાદ થયો હતો. અલબત્ત તેમને કસ્ટડીમાં લેવામાં આવ્યા બાદ છોડી દેવામાં આવ્યા હતા. આના ઉપર આર્મી વડા બિપીન રાવતે કહ્યું હતું કે, ભારતીય સેનાના કોઇપણ કોઇ ખોટુ કરે છે અને અમારા ધ્યાનમાં આવે છે તો કઠોર કાર્યવાહી કરવામાં આવશે. તેમણે ઉમેર્યું હતું કે, જો મેજર ગોગોઈ કોઈ ભુલ કરી રહ્યા છે તો તેમની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે અને યોગ્ય દંડ કરવામાં આવશે. બુધવારના દિવસે એક હોટલમાં મહિલાની સાથે ઘુસી ગયા બાદ વિવાદ થયો હતો. હોટલના લોકોએ પોલીસ બોલાવી લીધી હતી ત્યારબાદ પોલીસે મેજર ગોગોઈને કસ્ટડીમાં લઇ લીધા હતા અને પુછપરછ બાદ છોડી મુક્યા હતા. મેજિસ્ટ્રેટની સમક્ષ મહિલાનું નિવેદન લીધા બાદ તેમને પણ છોડી દેવામાં આવ્યા હતા. તમામ દસ્તાવેજના આધાર પર સાબિત થયું છે કે, મહિલા સગીરા નથી. બીજી બાજુ મહિલાના પરિવારની માંગ છે કે, કેસ બંધ કરવામાં આવે.

(7:47 pm IST)