Gujarati News

Gujarati News

News of Friday, 25th May 2018

વિશ્વાસ મત જીતતા કુમાર સ્વામી

સ્પીકરની ચૂંટણીમાં ભાજપ ફસકયોઃ કોંગ્રેસના રમેશ સ્પીકર બન્યા : જો કે, કોંગ્રેસનું દિલ જીતવું બાકીઃ વિશ્વાસ મત પૂર્વે કોંગ્રેસ બોલી ''પાંચ વર્ષ કુમાર સ્વામી જ મુખ્યમંત્રી રહે તેવો નિર્ણય નથી થયો''

બેંગ્લોર તા.૨૫ :. કર્ણાટકની રોમાંચક રાજનીતિમાં આજે મુખ્યમંત્રી કુમાર સ્વામી આસાનીથી વિશ્વાસનો મત જીતી ગયા છે. વિશ્વાસ મત પૂર્વે થયેલી સ્પીકરની ચૂંટણીમાં ભાજપ ફસકી ગયો હતો. ભાજપે પોતાના ઉમેદવાર પાછા ખેચતા કોંગ્રેસના નેતા રમેશજી સ્પીકરપદે વિજેતા ઘોષિત થયા હતા.

કુમાર સ્વામી વિશ્વાસ મત જીતી ગયા છે, પરંતુ સાથી પક્ષ કોંગ્રેસનું દિલ જીતવું બાકી છે વિશ્વાસ મત પૂર્વે નાયબ મુખ્યમંત્રી અને કોંગ્રેસના નેતાએ સ્ફોટક નિવેદન આપતા કહ્યુ હતું કે કુમાર સ્વામીજ પાંચ વર્ષ મુખ્યમંત્રી રહે તેવું નક્કી થયું નથી.

ખાતાની ફાળવણી અંગે પણ હજુ અનિશ્ચીતતા હોવાનું પરમેશ્વરાએ જણાવ્યું હતું.  આ બાબતથી ફલિત થાય છે કે, કોંગ્રેસ-જેડીએસ વચ્ચે હજુ આંતરિક વિવાદો ચાલી રહ્યા છે. કર્ણાટકમાં વિધાનસભામાં ફલોર ટેસ્ટ પહેલા વિધાનસભાના સ્પીકર પદે કોંગ્રેસના ધારાસભ્ય રમેશકુમાર ચૂટાયા છે. ભાજપે પોતાના ઉમેદવાર તરીકે સુરેશ કુમારને મેદાનમાં ઉતાર્યા હતા. જોકે બાદમાં ભાજપે સુરેશ કુમારને હટાવ્યા હતા. જે બાદ બિનહરીફ તરીકે રમેશ કુમારની પસંદગી કરવામાં આવી હતી. સ્પીકરની નિયુકતી બાદ મુખ્ય પ્રધાન બનેલા કુમાર સ્વામીની અગ્નિ પરીક્ષા થવાની છે. શપથ ગ્રહણ કર્યા બાદ કુમાર સ્વામીને આજે વિધાનસભામાં વિશ્વાસ મત સાબિત કરવાનો છે. વિશ્વાસ મત પહેલા કોંગ્રેસના નેતાઓની બેઠક મળી હતી. કર્ણાટકમાં કોંગ્રેસ અને જેડીએસ વચ્ચે ૨૨-૧૨ની ફોર્મુલા નક્કી થઇ છે. જેમાંથી ૨૨ મંત્રીઓ કોંગ્રેસ અને ૧૨ મંત્રીઓ જેડીએસના હશે. રાજ્યમાં બહુમતીનો આંકડો પાર કરીને જેડીએસ અને કોંગ્રેસને ૧૧૭ બેઠક પ્રાપ્ત થઇ છે. વિધાનસભામાં વિશ્વાસ મત બાદ તમામ મંત્રીઓને તેમના ખાતાોની ફાળવણી કરવામાં આવશે. મહત્વનું છે કે, રાજ્યમાં ૨૨૪ વિધાનસભા બેઠકમાંથી ૨૨૨ બેઠક પર મતદાન થયું હતું. જેમાં ભાજપને ૧૦૪, કોંગ્રેસને ૭૮ અને જેડીએસને ૩૮ બેઠક મળી હતી. કર્ણાટકમાં કોંગ્રેસ અને જેડીએસની ગઠબંધીત સરકાર બની છે. કર્ણાટકમાં ભાજપ સૌથી મોટી પાર્ટી બની હોવા છતા ભાજપનું સરકાર બનાવવાનું સ્વપન અધુરૃ રહ્યું છે.

(3:39 pm IST)