Gujarati News

Gujarati News

News of Friday, 25th May 2018

નિપાહ વાયરસ : સારવારમાં રહેલી નર્સનો બહિષ્કાર થયો

વાયરસને લઇને લોકોમાં ભયમાં સતત વધારો : કબ્રસ્તાનમાં સ્થિત સ્ટાફના કર્મીઓ પણ ઇનફેક્શનગ્રસ્ત મૃતદેહોની દફનવિધીને લઇને દુર ભાગી રહ્યા છે : રિપોર્ટ

કોચી,તા. ૨૫ : નિપાહ વાયરસથી અસરગ્રસ્ત લોકોની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે ત્યારે હવે લોકોમાં દહેશત પણ સતત વધી રહી છે. લોકોમાં વ્યાપક દહેશતના કારણે એક સામાજિક સમસ્યા પણ ઉભી થઇ ગઇ છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે નિપાહ વાયરસથી ગ્રસ્ત લોકોની સારવારમાં રહેલી નર્સનો સમાજમાં બહિષ્કાર કરવામાં આવી રહ્યો છે. કબ્રસ્તાનમાં સ્થિત સ્ટાફના કર્મચારીઓ વાયરસ ગ્રસ્ત મૃતદેહની દફનવિધીની સામે પણ વાંધો ઉઠાવી રહ્યા છે. આવા મૃતદેહની દફનવિધીને લઇને આ લોકો દુર ભાગી રહ્યા છે. હાલમાં એવા બે મામલા સપાટી પર આવી ગયા છે ત્યારે નર્સનો બહિષ્કાર કરવામાં આવ્યો છે. કોઝિકોડ સ્થિત પેરાબંરા તાલુક હોસ્પિટલની એક નર્સ જ્યારે એક યાત્રી બસમાં બેસી ત્યારે બસમાં રહેલા અન્ય લોકોએ તેનો જોરદાર બહિષ્કાર કર્યો હતો. તમામ લોકો બસમાંથી ઉતરવા લાગી ગયા હતા. રિક્ષા ચાલકો પણ નર્સને બેસાડવા સામે આનાકાની કરી રહ્યા છે. કબ્રસ્તાનમાં દફનવિધીને લઇને પણ વાંધો ઉઠાવવામાં આવી રહ્યો છે. વાયરસના ઇન્ફેક્શન કોઝીકોડ અને મલપ્પુરમ જિલ્લાની બહાર થયા નથી પરંતુ મંત્રીનું કહેવું છે કે, કોઝીકોડમાં નવા મામલામાં બે લોકોને તાવની અસર થયા બાદ નિપાહના શંકાસ્પદ ઇન્ફેક્શન મામલામાં તપાસ કરવામાં આવી રહી છે. મંત્રીમંડળની બેઠક બાદ મુખ્યમંત્રી પી વિજયને કહ્યું છે કે, બિમારીથી મરનાર દરેક વ્યક્તિના પરિવારને પાંચ-પાંચ લાખ રૂપિયા આપવામાં આવી રહ્યા છે. મુખ્યમંત્રીની ઓફિસથી જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, મૃત નર્સના પતિને સરકારી નોકરી આપવામાં આવશે. યુએઇના બે કારોબારીઓ એ કેરળની નર્સ લીનીના બાળકોને મદદ કરવાની ઓફર કરી છે. અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, આ વેપારીએ લીનીની બાળકોના શિક્ષણ ખર્ચને ઉપાડવાનો નિર્ણય કર્યો છે. ગુજરાત સહિત જુદા જુદા રાજ્યો દ્વારા પણ નિપાહ વાયરસને લઇને સાવચેતીના તમામ પગલા લીધા છે. જો કે, આ જીવલેણ નિપાહ વાયરસની એન્ટ્રીથી દેશના અનેક ભાગોમાં ભારે ફફડાટની સ્થિતિ જોવા મળી રહી છે. ગોવા સરકારે લોકોને ચેતવણી આપી છે. કેરળ સરકારે લોકોથી કોઝીકોડ, કુન્નુર જિલ્લાની યાત્રા ન કરવા માટે કહ્યું છે. કેરળના આરોગ્યમંત્રી કેકે સેલજાનું કહેવું છે કે, રાજ્યના નિપાહ વાયરસના પ્રકોપને કાબૂમાં લેવામાં સફળતા મળી છે. લોકોને દહેશતમાં રહેવાની જરૂર નથી. કોઝીકોડ મેડિકલ કોલેજ હોસ્પિટલમાં ૧૭ લોકોને સારવાર આપવામાં આવી રહી છે.નિપાહ વાયરસની અસર જોરદાર રીતે અનુભવાઇ રહી છે.

(12:36 pm IST)