Gujarati News

Gujarati News

News of Friday, 25th May 2018

દિલ્હીમાં કરોડોનું હેરોઇન ઝડપાયું : ૩ દાણચોર ઝબ્બે

મણીપુર-ઉત્તરપ્રદેશ-દિલ્હી-પંજાબ-આસામમાં ડ્રગ ગેંગ સક્રિય : દેશભરમાં સપ્લાય કરતા'તા

નવી દિલ્હી, તા. રપ : આંતરરાષ્ટ્રીય ડ્રગ ગેંગના ત્રણ સભ્યોને હેરોઇન કાર્ર્ટેલ સાથે પકડી લેવામાં આવ્યા હતાં અને તેમની પાસેથી રૂપિયા ર૪ કરોડની કિંમતનું છ કિલો હેરોઇન જપ્ત કરવામાં આવ્યું હતું. આરોપીઓને મણીપુરના તૈયબાલી, આસામના ઇસ્લામુદ્દીન અને શોશીધર જોરદાર તીરકે ઓળખવામાં આવ્યા હતાં. પોલીસના જણાવ્યા અનુસાર, મણીપુર, ઉત્તર પ્રદેશ, દિલ્હી, પંજાબ અને આસામમાં ડ્રગની ગેંગ સક્રિય હતી.

ટીમને એમ પણ જાણવા મળ્યું હતું કે, આ કાર્ટેલ મણીપુરથી માલ લાવીને દેશમાં અનેક જગ્યાએ તેને સપ્લાય કરતી હતી. ર૦ મેના રોજ આ ગેંગનો એક સભ્ય તૈયબાલી દિલ્હીના ઇન્દ્રપ્રસ્થ વિસ્તારમાં હેરોઇનનો જથ્થો આપવા આવવાનો છે તેવી બાતમીના આધારે પોલીસે છટકો ગોઠવ્યો હતો. ત્યાં જ તૈયબાલી આવ્યો હતો. તેના થોડા સમય પછી શોશીધર જોદાર અને ઇસ્લામુદ્દીન પણ આઇએસબીટી સરાઇ કાલે ખાનથી આવ્યા હતાં. પોલીસે ત્રણેને પકડી પાડયા હતા. તૈયબાલીને ઘટસ્ફોટ કર્યો હતો કે આ જથ્થો તેમને મણીપુરથી તેમની ગેંગના એક સભ્યે આપ્યો હતો. તેણે કહ્યું હતું કે તેમના બોસના સંપર્કો મ્યાંમારમાં છે અને ત્યાંથી પણ મોટા જથ્થામાં તેમને હેરોઇન મળતું હતું. મણીપુરના કેટલાક વિસ્તારોમાં ગેરકાયદે અફીણની ખેતી કરાય છે અને તેઓ અફીણમાંથી હેરોઇન બનાવીને દેશના અનય ભાગોમાં મોકલાવે છે.

તેમણે એમ કહ્યું હતું કે મણીપુરમાં તૈયાર કરાતા હેરોઇનની ગુણવત્તા મ્યાંમારના હેરોઇન કરતા ખૂબ સારી અને કિંમત પણ ઓછી હોય છે એટલા માટે તેની માગ વધારે હોય છે.

(12:31 pm IST)