Gujarati News

Gujarati News

News of Friday, 25th May 2018

૨૮ વિદેશી આતંકી સહિત ૭૦નો સફાયો

'ઓપરેશન ઓલઆઉટ-૨' પૂરજોશમાં : મોટા કમાન્ડરોને પણ જવાનોએ ફૂંકી માર્યા : પીઓકેમાં મજહબના નામે ભંડોળ એકત્ર થઇ રહ્યું છે

શ્રીનગર તા. ૨૫ : પાકિસ્તાન પ્રેરીત આતંકવાદી સંગઠન જૈશનું કામ માત્ર પીઓકેમાં આતંકવાદીઓને તાલીમ આપવા પુરતુ નથી. આતંકી હુમલાને અંજામ આપવા તેમજ પોતાના નાપાક ઇરાદાઓ પાર પાડવા માટે મજહબના નામે ભંડોળ ભેગુ કરવાનું પણ કામગીરી ચાલી રહી છે.

કાશ્મીર ખીણમાં ચાલુ વર્ષે જાન્યુઆરીથી લઇને અત્યાર સુધીમાં સુરક્ષાદળોએ ૭૦ જેટલા આતંકવાદીઓને ઠાર માર્યા છે. રિપોર્ટ મુજબ આ આતંકવાદીઓમાં ૨૮ વિદેશી આતંકવાદી હતા. જેમાં સૌથી વધુ જૈશ-એ-મોહમ્મદના આતંકવાદી ઠાર મરાયા હતા. સુરક્ષાદળોએ જયારથી ઓપરેશન ઓલઆઉટ-૨ શરૂ કર્યુ ત્યારથી આતંકવાદીઓના મોટા મોટા કમાન્ડર ઠાર મરાયા છે.

ગુપ્તચર રિપોર્ટમાં ખુલાસો કરાયો છે કે જૈશ-એ-મોહમ્મદના આકા નવા આતંકવાદીઓની ભરતી અને સંસ્થા માટે ફંડ એકઠુ કરવાનું કામ કરી રહ્યા છે. જૈશ-એ-મોહમ્મદનો લીડર અબ્દુલ રઉફ અસગરે તાજેતરમાં પાકિસ્તાનના કરાચીમાં દૌરા-એ-તફસીરિયાત-અલ-જેહાદને સંગઠિત કરીને મજહબના નામે રૂપિયા દાન કરવા કહ્યું. આતંકવાદી સરગના અબ્દુલ રઉફે કરાચીમાં ૬ દિવસ સુધી આ અભિયાન ચલાવ્યું. જેમાં દૌરા-એ-તફસીરિયાત-અલ-જેહાદમાં લોકોને અપીલ કરી હતી કે જૈશના ટ્રસ્ટ અલ-રહમતમાં રૂપિયા દાન કરે.

સૂત્રો મુજબ જૈશના આતંકવાદીઓએ પઠાનકોટ એરબેઝ પર હુમલો કર્યો હતો. તે સમયે આતંકવાદીઓને રૂપિયા આપવા અને લોજિસ્ટીક સપોર્ટ આપવા માટે અલ-રહમત ટ્રસ્ટ દ્વારા ફંડ એકત્ર કરવામાં આવ્યું હતુ.(૨૧.૮)

(11:49 am IST)