Gujarati News

Gujarati News

News of Thursday, 25th April 2024

ઝિમ્બાબ્વેના પૂર્વ ક્રિકેટર પર દીપડાનો હુમલો : પાલતુ શ્વાનની મદદથી જીવ બચાવવામાં સફળ

પૂર્વ કિક્રેટર ગાય વ્હિટલે ફરી એક વખત મોતને મ્હાત આપી : વ્હિટલની પત્ની હના સ્ટૂક્સે તેનો ફોટો સોશિયલ મીડિયામાં શેર કર્યો

ઝિમ્બાબ્વેના પૂર્વ કિક્રેટર ગાય વ્હિટલે ફરી એક વખત મોતને મ્હાત આપી છે. આ વખતે વ્હિટલ પર દીપડાએ હુમલો કર્યો હતો, વ્હિટલનો જીવ બચાવવામાં તેના પાળતુ કૂતરાની મોટી ભૂમિકા છે. સપ્ટેમ્બર 2013માં વ્હિટલના બેડની નીચે આઠ ફુટ મોટો મગરમચ્છ આવી ગયો હતો. વ્હિટલ આખી રાત જે બેડ પર સૂતો હતો તેની નીચ જ આ મગરમચ્છ પડ્યો હતો.

જો કે આ વખતે તો વ્હિટલ પર દીપડાએ હુમલો કર્યો છે. આ હુમલા બાદ વ્હિટલની પત્ની હના સ્ટૂક્સે તેનો ફોટો સોશિયલ મીડિયામાં શેર કર્યો હતો. તેણે બે તસવીર શેર કરી હતી જેમાં એકમાં વ્હિટલ હોસ્પિટલના બેડ પર સૂતો જોવા મળે છે. જ્યારે બીજા ફોટોમાં તે લોહીથી લથપથ જોવા મળે છે, જે હુમલા બાદનો ફોટો હોય તેવું લાગી રહ્યું છે. હના સ્ટૂક્સે પોતાની પોસ્ટમાં જણાવ્યું કે કઈ રીતે વ્હિટલ પર દીપડાએ હુમલો કર્યો હતો અને તે કેટલી મુશ્કેલીથી પોતાનો જીવ બચાવવામાં સફળ રહ્યો.

મીડિયા રિપોર્ટસ મુજબ વ્હિટલ પર દીપડાએ ત્યારે હુમલો કર્યો હતો જ્યારે તે ટ્રેકિંગ પર ગયો હતો. 51 વર્ષના વ્હટિલની હાલત જોઈને સમજી શકાય છે કે તેણે કેટલી ગંભીર ઈજાઓ થઈ છે. વ્હિટલ બેટિંગ ઓલરાઉન્ડર હતો તેણે 1993થી લઈને 2003 સુધી ઝિમ્બાબ્વે તરફથી કુલ 46 ટેસ્ટ અને 147 વનડે ઈન્ટરનેશનલ મેચ રમી છે. ગાય વ્હિટલ ટેસ્ટ ક્રિકેટમાં ડબલ સેન્ચુરી પણ ફટકારી ચુક્યો છે. તેણે 2207 ટેસ્ટ રન અને 2705 વનડે ઈન્ટરનેશનલ રન બનાવ્યા છે. ગાય વ્હિટલે ચાર ટેસ્ટ સેન્યુરી ફટકારી છે, જ્યારે વનડે ઈન્ટરનેશનલમાં તેણે 11 હાફસેન્ચુરી ફટકારી છે.

આ ઉપરાંત તેણે 51 ટેસ્ટ અને 88 વનડે ઈન્ટરનેશનલ વિકેટ પણ લીધી છે. 1995માં હરારેમાં પાકિસ્તાન વિરુદ્ધ વ્હિટલે સેન્ચુરી ફટકારી હતી અને ત્યારે ઝિમ્બાબ્વેએ પાકિસ્તાનને હરાવીને પહેલી ટેસ્ટ જીત મેળવી હતી. તે મેચમાં ગ્રાંટ ફ્લાવરે 201 રન જ્યારે એન્ડી ફ્લાવરે 156 રન બનાવ્યા હતા. ઝિમ્બાબ્વેએ તે ટેસ્ટ 64 રનથી જીતી હતી.

 

(9:11 pm IST)