Gujarati News

Gujarati News

News of Saturday, 25th March 2023

ગુજરાતમાં યોજાવા જઈ રહેલા સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમનું તમિલનાડુના તન્જાવર સ્ટેટના રાજાશ્રીને રૂબરૂ નિમંત્રણ આપતા મંત્રી કુંવરજીભાઇ બાવળિયા

તમિલનાડુમાં સ્થાયી થયેલા સૌરાષ્ટ્રીયન તમિલ લોકોને નિમંત્રણ આપવા મદુરાઇ સહિતના ૯ શહેરોમાં યોજાશે રોડ શો

ગાંધીનગર : ગુજરાતમાં આગામી 17 એપ્રિલથી યોજવા જઈ રહેલા ‘સૌરાષ્ટ્ર તમિલ સંગમ’ કાર્યક્રમમાં સૌરાષ્ટ્રીયન તમિલ લોકોને આમંત્રણ આપવા માટે તમિલનાડુના ૯ શહેરોમાં વિવિધ રોડશોનું આયોજન કરવામાં આવ્યું છે. તમિલનાડુમાં ગુજરાતના મંત્રી કુંવરજીભાઇ બાવળિયા રોડ શો માટે ઉપસ્થિત રહ્યા હતા. આ વેળાએ શ્રી બાવળિયાએ સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા માટે તન્જાવર સ્ટેટના રાજા બાબાજી ભોંસલેને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ વતી તન્જાવર પેલેસ ખાતે રૂબરૂ મળીને નિમંત્રણ પાઠવ્યું હતું.

આ પ્રસંગે મંત્રીશ્રીએ રાજા બાબાજી ભોંસલેનો ખાસ આભાર માનતા જણાવ્યું હતું કે, લગભગ એક હજાર વર્ષ પહેલાં જ્યારે સૌરાષ્ટ્રના લોકો મદુરાઈ ખાતે આશરો શોધવા આવેલા ત્યારે મદુરાઈ સ્ટેટે આપેલા આશરા, પ્રેમ અને સહયોગના કારણે અહીં સૌરાષ્ટ્ર તમિલ સમાજ માત્ર વસ્યો નથી; પણ દૂધમાં સાકરની જેમ ભળીને ઘણી પ્રગતિ કરી છે. સાથે સાથે તમિલનાડુના વિકાસમાં પણ આ સમાજે ખૂબ જ મોટું યોગદાન આપ્યું છે. આ રાજાશ્રીના મીઠા આવકારથી સાર્થક થયું હોવાથી ગુજરાત રાજાશ્રીનું સન્માન કરવા ઈચ્છે છે. જેથી ગુજરાતના નિમંત્રણને સ્વીકારી ગુજરાતમાં પધારવા માટે કુંવરજીભાઇએ અનુરોધ કર્યો હતો.

(7:20 pm IST)