Gujarati News

Gujarati News

News of Saturday, 25th March 2023

રાહુલ ગાંધી પર ૧-૨ નહીં પણ ૬ અલગ-અલગ માનહાનીના કેસ ચાલી રહ્યા છે

નવી દિલ્‍હી, તા.૨૫: ૨૦૧૯ માં કર્ણાટકની એક રેલીમાં ‘બધા ચોરોની અટક મોદી કેમ છે' કહેવા બદલ સુરતની એક અદાલતે રાહુલ ગાંધીને માનહાનિનો દોષી ઠેરવ્‍યો છે અને ૨ વર્ષની સજા ફટકારી છે. જણાવી દઈએ કે કોર્ટમાંથી સજા મળ્‍યા બાદ લોકસભા સચિવાલયે રાહુલ ગાંધીનું સભ્‍યપદ રદ્દ કરી દીધું છે.

ગુરુવારે ચાર વર્ષ બાદ સુરતની કોર્ટે રાહુલ ગાંધીને દોષિત ઠેરવીને ૨ વર્ષની સજા ફટકારી છે. ચીફ જયુડિશિયલ મેજિસ્‍ટ્રેટ એચએચ વર્માની કોર્ટે રાહુલ ગાંધીને આઈપીસીની કલમ ૪૯૯ અને ૫૦૦ હેઠળ દોષિત ઠેરવ્‍યા છે. મહત્‍વ છે કે કોંગ્રેસે રાજકીય લડાઈ લડવાની અને ચુકાદા સામે હાઈકોર્ટમાં પણ અપીલ દાખલ કરવાની વાત કરી છે. સુરત કોર્ટના નિર્ણય અને સભ્‍યપદ રદ થયા બાદ રાહુલ ગાંધીને વિરોધ પક્ષોનું સમર્થન મળ્‍યું છે.

હાલ લોકસભા સચિવાલયના નિર્ણયની ટીકા થઈ રહી છે, જેના પર સરકારે સ્‍પષ્ટતા પણ આપી છે. જણાવી દઈએ કે સંસદીય બાબતોના મંત્રી પ્રહલાદ જોશીએ કહ્યું કે રાહુલ ગાંધી વિરુદ્ધ કાયદા અનુસાર કાર્યવાહી કરવામાં આવી છે. માત્ર ઔપચારિકતા બાકી હતી. કોર્ટના આદેશ બાદ તેમનું સંસદીય સભ્‍યપદ આપોઆપ સમાપ્ત થઈ ગયું છે. સરકારને આ બાબત સાથે કોઈ લેવાદેવા નથી. કાયદામાંથી કોઈને પણ મુક્‍તિ મળવી જોઈએ નહીં.

જો કે અંહિયા નોંધ લેવા જેવી બાબતે એ છે કે રાહુલ સામે માનહાનિ સંબંધિત લગભગ ૬ કેસ હજુ પણ ચાલી રહ્યા છે અને ગુજરાતની અદાલતોમાં મોટાભાગના કેસોની સુનાવણી ચાલી રહી છે.

ગાંધીની હત્‍યામાં RSSનો હાથ

રાહુલ ગાંધી પર આરોપ છે કે ૬ માર્ચ ૨૦૧૪ના રોજ મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં એક ચૂંટણી રેલીને સંબોધિત કરતી વખતે એમને મહાત્‍મા ગાંધીની હત્‍યા પાછળ RSSનો હાથ હોવાનું જણાવ્‍યું હતું. કોંગ્રેસના નેતાએ કહ્યું હતું કે આરએસએસના લોકોએ ગાંધીજીની હત્‍યા કરી હતી અને આજે તેઓ ગાંધીજી વિશે વાત કરે છે. જણાવી દઈએ કે આ મામલામાં RSSના ભિવંડી યુનિટના RSS સેક્રેટરી રાજેશ કુંટેએ ૨૦૧૮માં રાહુલ ગાંધી વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. રાજેશ કુંટેનું કહેવું છે કે રાહુલે RSSના પ્રતિષ્ઠા અને સન્‍માન પર સવાલ ઉઠાવ્‍યા છે. મહત્‍વનું છે કે આ કેસની સુનાવણી હજુ શરૂ થઈ નથી.

આસામ મઠ પર ટિપ્‍પણી

ડિસેમ્‍બર ૨૦૧૫ માં આસામમાં RSSના સ્‍વયંસેવક દ્વારા રાહુલ વિરુદ્ધ ફોજદારી માનહાનિનો કેસ દાખલ કરવામાં આવ્‍યો હતો. જણાવી દઈએ કે RSSના આ સ્‍વયંસેવકે એવો કેસ દાખલ કર્યો હતો કે તેને આસામના બરપેટા સતરામાં જવાથી એમ કહીને અટકાવવામાં આવ્‍યો હતો કે તે RSS સાથે જોડાયેલો છે. એ વાદ તેને આસામની સ્‍થાનિક કોર્ટમાં રાહુલ ગાંધી વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો.

રાહુલ ગાંધીના વકીલના જણાવ્‍યા અનુસાર આ મામલો હજુ પણ સ્‍થાનિક કોર્ટમાં ચાલી રહ્યો છે અને કેસની સુનાવણી અંતિમ તબક્કામાં છે.

નોટબંધીને લઈને અમિતભાઈ પર ટિપ્‍પણી

૨૩ જૂન ૨૦૧૮ના રોજ કરાયેલા ટ્‍વિટના આધારે રાહુલ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્‍યો હતો. રાહુલે પોતાના ટ્‍વિટમાં કહ્યું હતું કે અમદાવાદ જિલ્લા સહકારી બેંકના ડાયરેક્‍ટર અમિત શાહને અભિનંદન. જૂની નોટોને નવા મૂલ્‍યમાં રૂપાંતરિત કરવા માટે તમારી બેંકને પહેલું ઈનામ મળ્‍યું ૭૫૦ રૂપિયા.

પાંચ દિવસમાં કરોડ! લાખો ભારતીયો જેમના જીવન તમે બરબાદ કર્યા, નોટબંધી તમારી સિદ્ધિને સલામ કરે છે. #ShahZyadaKhaGaya”

આ મામલે રાહુલના વકીલે કહ્યું છે કે હજુ તપાસ ચાલી રહી છે. કેસની આગામી સુનાવણી ૧ જુલાઈના રોજ થશે.

રાફેલ પર ટિપ્‍પણી

નવેમ્‍બર ૨૦૧૮ માં મહારાષ્ટ્ર ભાજપના નેતા મહેશ શ્રીશ્રીમલને ‘કમાન્‍ડર ઇન-ચોર' ટિપ્‍પણી માટે રાહુલ વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. રાફેલ વિવાદ દરમિયાન આપવામાં આવેલ મહેશ શ્રીશ્રીમલના આ નિવેદનનો સીધો નિશાન નરેન્‍દ્રભાઇ મોદી પર હતો. જો કે થોડા દિવસોની સુનાવણી બાદ બોમ્‍બે હાઈકોર્ટે કાર્યવાહી પર રોક લગાવી દીધી હતી. મહેશ શ્રીશ્રીમલનું કહેવું છે કે રાહુલ ગાંધીએ બોમ્‍બે હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો અને ફરિયાદ રદ કરવાની પણ માંગ કરી હતી. આ કેસની સુનાવણી હજુ શરૂ થઈ નથી.

સંઘ વિરોધીઓની હત્‍યા કરાવી નાખે છે

ફેબ્રુઆરી ૨૦૧૯ માં રાહુલ અને CPI(M) જનરલ સીતારામ યેચુરી સામે માનહાનિનો કેસ દાખલ કરવામાં આવ્‍યો હતો. આ કેસ મહારાષ્ટ્રના RSS કાર્યકર્તા અને વકીલ ધૃતિમાન જોશીએ દાખલ કર્યો છે. ધૃતિમાન જોશીએ અરજીમાં કહ્યું હતું કે પત્રકાર ગૌરીની હત્‍યાના ૨૪ કલાક બાદ રાહુલે નિવેદન આપ્‍યું હતું કે જો કોઈ RSS અને બીજેપીની વિચારધારા વિરુદ્ધ બોલે છે તો તેને ચૂપ કરવાનો પ્રયાસ કરવામાં આવે છે. તેના પર દબાણ કરવામાં આવે છે. તેને માર મારવામાં આવે છે. તેના પર હુમલા કરાવવામાં આવે છે અને તેની હત્‍યા પણ કરવામાં આવે છે. આ કેસની સુનાવણી હજુ શરૂ થઈ નથી.

અમિતભાઈને હત્‍યાના આરોપી કહેલ

અમદાવાદના ભાજપના કોર્પોરેટર કૃષ્‍ણવદન બ્રહ્મભટ્ટે મે ૨૦૧૯માં અમદાવાદની એક કોર્ટમાં રાહુલ વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. કૃષ્‍ણવદન બ્રહ્મ ભટ્ટે અરજીમાં કહ્યું હતું કે જબલપુરમાં લોકસભા ચૂંટણી પ્રચાર દરમિયાન રાહુલ ગાંધીએ અમિતભાઈ શાહને ‘હત્‍યાના આરોપી' કહ્યા હતા. કૃષ્‍ણવદન બ્રહ્મ ભટ્ટે રાહુલની આ ટિપ્‍પણીને ખૂબ જ નિંદનીય ગણાવી હતી. બ્રહ્મ ભટ્ટે કહ્યું કે ૨૦૧૫માં શાહને સોહરાબુદ્દીન શેખ નકલી એન્‍કાઉન્‍ટર કેસમાં નિર્દોષ જાહેર કરવામાં આવ્‍યા હતા. હવે રાહુલ વિરુદ્ધ માનહાનિના કેસની સુનાવણી મેજિસ્‍ટ્રેટની કોર્ટમાં થવાની છે.

 

(3:56 pm IST)