Gujarati News

Gujarati News

News of Saturday, 25th March 2023

મધ્‍ય પ્રદેશમાં જામશે દિગ્‍ગજોનો મેળાવડોઃ નરેન્‍દ્રભાઈ-અમિતભાઇ-જેપી નડ્ડા-રાજનાથસિંહની સભા- રોડશો

વિધાનસભા ચૂંટણીમાં વિરોધીઓને માત આપવા ભાજપે તૈયાર કર્યો માસ્‍ટર પ્‍લાન

ભોપાલ, તા.૨૫: મધ્‍યપ્રદેશમાં આ વર્ષ ચૂંટણીનું વર્ષ છે. અહીં વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના મહિના જ બાકી રહ્યા છે. મધ્‍યપ્રદેશને RSSનો ગઢ માનવામાં આવે છે. આવી સ્‍થિતિમાં વડાપ્રધાન મોદીથી લઈને ભાજપના રાષ્ટ્રીય અધ્‍યક્ષ જેપી નડ્ડા, કેન્‍દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ, રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને સંઘ પ્રમુખ મોહન ભાગવત અહીં વારંવાર પ્રવાસે આવતા જોવા મળશે. વાસ્‍તવમાં આવતા અઠવાડિયાની અંદર ઘણા મોટા નેતાઓ મધ્‍યપ્રદેશમાં હશે. ભાજપ સંગઠન સહિત સરકાર અને વહીવટીતંત્ર આ અંગે સંપૂર્ણ સજાગ છે.

કેન્‍દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ આજે છિંદવાડાના પ્રવાસે આવશે.તેઓ બપોરે ૨.૧૦ વાગ્‍યે છિંદવાડાની ગ્રામ પંચાયત અંચલકુંડ તહસીલ હરરાઈ પહોંચશે. આ પછી આંચલકુંડ દાદા દરબારમાં પૂજા કરશે. જયારે બપોરે ૩.૧૦ કલાકે હેલિકોપ્‍ટર મારફતે પોલીસ ગ્રાઉન્‍ડમાં પહોંચશે અને જનસભાને સંબોધશે.

સાથે જ અમિતભાઈ સાંજે ૪.૨૫ કલાકે લાલબાગ રોડ પર આવેલા ભાજપ કાર્યાલય ખાતે આયોજિત બેઠકમાં હાજરી આપશે. અમિતભાઈ સાંજે ૫.૩૦ વાગ્‍યે છિંદવાડાથી નાગપુર જવા રવાના થશે. આ વખતે ભારતીય જનતા પાર્ટી કમલનાથના ગઢ એટલે કે છિંદવાડાને જીતવામાં કોઈ કસર છોડવા માંગતી નથી.

નરેન્‍દ્રભાઈ આગામી ૧ એપ્રિલે ભોપાલમાં ભારતીય સેનાની ત્રણેય પાંખના વડાઓના કાર્યક્રમમાં હાજર રહેશે. બીજી તરફ કેન્‍દ્રીય રક્ષા મંત્રી રાજનાથ સિંહ ૩૧ માર્ચે ભોપાલ આવી રહ્યા છે. ભોપાલમાં યોજાનારી કોન્‍ફરન્‍સનો સેનાના ત્રણેય પાંખના કમાન્‍ડર શુભારંભ કરશે. આ દરમિયાન રાજયના મુખ્‍યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ પણ હાજર રહેશે. આ કોન્‍ફરન્‍સ ભોપાલના કુશાભાઉ ઠાકરે ઈન્‍ટરનેશનલ કન્‍વેન્‍શન સેન્‍ટરમાં યોજાશે

(3:53 pm IST)