Gujarati News

Gujarati News

News of Saturday, 25th March 2023

ભારતમાં સૌથી વધુ પ્રદુષિત નદીઓ ધરાવતા રાજ્‍યોમાં ગુજરાત નંબર-૧ : ભાદરનો પણ સમાવેશ

ગુજરાત - યુપીમાં ૬-૬ નદીઓ સૌથી વધુ પ્રદુષિત : સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ માટે રૂપિયા ૨૧૦૦ કરોડ જમા કરાવવા નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલનો આદેશ

નવી દિલ્‍હી તા. ૨૫ : કેન્‍દ્રીય પર્યાવરણ અને વન મંત્રાલયે જાહેર કર્યા અનુસાર, ગુજરાત દેશમાં સૌથી વધારે પ્રદૂષિત નદીઓ ધરાવતું રાજ્‍ય છે. ગુજરાતમાં છ નદીઓ પ્રાયોરીટી-૧ હેઠળ વર્ગીકૃત કરાઇ છે એટલે કે ૨૦૧૮થી ૨૦૨૨ એમ ૪ વર્ષ માટે ચિંતાજનક હદે પ્રદૂષિત છે. દેશમાં કોઇ પણ રાજ્‍યમાં ઉત્તર પ્રદેશ સહિત આ સૌથી વધારે સંખ્‍યા છે. આ આંકડા કેન્‍દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા અપાયા છે.

સાબરમતી, અમલા ખાડી, ભાદર અને ખારી છેલ્લા ૪ વર્ષથી પ્રાયોરીટી-૧ હેઠળ છે. આમાની ત્રણ નદીઓ - સાબરમતી (૨૯૨ એમજી/એલ), ભાદર (૨૫૮.૬ એમજી/એલ) અને ખારી (૧૯૫ એમજી/એલ)ની સૌથી વધારે બાયોલોજીકલ ઓકસીજન ડીમાન્‍ડ (બીઓડી) ધરાવે છે. જ્‍યારે બીઓડીની પરમીસીબલ લીમીટ ૩ એમજી/એલ છે. ભારે ઔદ્યોગીકરણ અને નબળી વેસ્‍ટવોટર ટ્રીટમેન્‍ટ કામગીરી નદીના વધી રહેલા પ્રદૂષણના મહત્‍વના કારણો છે.

ઉનાળાની શરૂઆતમાં જ ગુજરાતના ઘણાં ગામડાઓ અને શહેરોમાં પાણી અછત ઉભી થઇ રહી છે એવા સમયે જ આ તારણો સામે આવ્‍યા છે.

પ્રાયોરીટી-૧ હેઠળ દેશના ૧૮ રાજ્‍યો - કેન્‍દ્ર શાસિત પ્રદેશોમાં ૪૬ પ્રદૂષિત નદીઓમાં સૌથી વધારે ગુજરાત અને ઉત્તર પ્રદેશમાં ૬-૬ છે. ત્‍યાર પછી હિમાચલ પ્રદેશ, મહારાષ્‍ટ્ર અને તમિલનાડુમાં ૪-૪, કર્ણાટક અને પંજાબમાં ૩-૩, હરીયાણા, મધ્‍યપ્રદેશ, મેઘાલય, રાજસ્‍થાન અને ઉત્તરાખંડમાં ૨-૨ અને તેલંગાણા, આંધ્રપ્રદેશ, આસામ, દિલ્‍હી, પમિ બંગાળ અને ઓરિસ્‍સામાં ૧-૧ છે.

રસપ્રદ છે કે નેશનલ ગ્રીન ટ્રીબ્‍યુનલ (એનજીટી)એ આ સપ્‍તાહની શરૂઆતમાં ગુજરાત સરકારને સોલીડ વેસ્‍ટ મેનેજમેન્‍ટ માટે એક અલગ ખાતામાં રૂપિયા ૨૧૦૦ કરોડ એક મહિનામાં જમા કરાવવાનો આદેશ આપ્‍યો છે

 

 

 

(3:48 pm IST)