Gujarati News

Gujarati News

News of Saturday, 25th March 2023

ખાનગી બેંક FD પર ૯%નું જબરદસ્‍ત વ્‍યાજ આપી રહી છે

૫૦૧ દિવસ માટે રોકાણ કરો : વરિષ્‍ઠ નાગરિકોને ૯.૫૦% વ્‍યાજ મળશે

નવી દિલ્‍હી તા. ૨૫ : છેલ્લા કેટલાક મહિનામાં બેંકોએ ફિક્‍સ્‍ડ ડિપોઝિટના વ્‍યાજ દરમાં વધારો કર્યો છે. આ કારણે બેંક ફિક્‍સ્‍ડ ડિપોઝિટનો સરેરાશ વ્‍યાજ દર ૫.૫ ટકાથી વધીને ૭ ટકા થયો છે. તેની પાછળનું કારણ રેપો રેટમાં વધારો છે. રિઝર્વ બેંક ઓફ ઈન્‍ડિયાએ રેપો રેટમાં સતત વધારો કર્યો છે. આ કારણે, દેશની ખાનગી અને સરકારી બેંકોએ તેમની ફિક્‍સ્‍ડ ડિપોઝિટ યોજનાઓના વ્‍યાજ દરોમાં વધારો કરીને તેમને ગ્રાહકો માટે આકર્ષક બનાવવાનો પ્રયાસ કર્યો છે. કેટલીક બેંકો ફિક્‍સ્‍ડ ડિપોઝિટ પર આઠ ટકાથી વધુ વ્‍યાજ ચૂકવે છે, જયારે કેટલીક બેંકો ૯ ટકા સુધીનું વ્‍યાજ આપી રહી છે.

યુનિટી સ્‍મોલ ફાઇનાન્‍સ એવી જ એક બેંક છે, જે સામાન્‍ય થાપણદારોને FD પર ૯% સુધીનું વ્‍યાજ ઓફર કરે છે. તે જ સમયે, બેંક વરિષ્ઠ નાગરિકોને FD પર ૫૦ બેસિસ પોઈન્‍ટ વધારાનું વ્‍યાજ આપી રહી છે. એટલે કે, યુનિટી સ્‍મોલ ફાઇનાન્‍સ બેંક તેની FDપર ૯.૫૦ ટકા વ્‍યાજ ઓફર કરી રહી છે. યુનિટી સ્‍મોલ ફાઇનાન્‍સ બેંકની વેબસાઇટ પર ઉપલબ્‍ધ માહિતી અનુસાર, આ ખાનગી બેંક ૧૮૧-૨૦૧ દિવસની FD પર ૮.૭૫ ટકાના દરે વ્‍યાજ ઓફર કરી રહી છે. બેંક ૫૦૧ દિવસની FD પર ૮.૭૫ ટકા વ્‍યાજ ઓફર કરી રહી છે. તે જ સમયે, યુનિટી સ્‍મોલ ફાઇનાન્‍સ બેંક ૧૦૦૧ દિવસની FD પર ૯ ટકા વ્‍યાજ દર ઓફર કરી રહી છે.

અન્‍ય કોઈપણ બેંકની જેમ, યુનિટી સ્‍મોલ ફાઈનાન્‍સ બેંક પણ વરિષ્ઠ નાગરિકોની બેંક ફિક્‍સ્‍ડ ડિપોઝિટ પર વધારાના ૫૦ બેસિસ પોઈન્‍ટ્‍સ વ્‍યાજ દર ઓફર કરી રહી છે. મતલબ કે, જો કોઈ વરિષ્ઠ નાગરિક યુનિટી સ્‍મોલ ફાઈનાન્‍સ બેંકની ૧૮૧ થી ૨૦૧ દિવસ અને ૫૦૧ દિવસની FDમાં રોકાણ કરે છે, તો તેને વાર્ષિક ૯.૨૫ ટકાના દરે વ્‍યાજ મળશે. તે જ સમયે, ૧૦૦૧ દિવસની એફડીમાં રોકાણ પર, તે વરિષ્ઠ નાગરિકોને ૯.૫૦ ટકાના દરે વ્‍યાજ ઓફર કરે છે. તેથી, યુનિટી સ્‍મોલ ફાઇનાન્‍સ બેંક સામાન્‍ય લોકોને FD પર ૯ ટકા સુધીનું વ્‍યાજ ઓફર કરી રહી છે.

ભારતીય રિઝર્વ બેંકે ફેબ્રુઆરી મહિનામાં રેપો રેટમાં ૨૫ બેસિસ પોઈન્‍ટ અથવા ૦.૨૫ ટકાનો વધારો કર્યો હતો. રેપો રેટમાં વધારાને કારણે તમામ પ્રકારની લોન મોંઘી થઈ ગઈ છે. મોંઘવારી દરને અંકુશમાં રાખવા માટે રિઝર્વ બેંકે રેપો રેટમાં વધારો કર્યો હતો. આ નાણાકીય વર્ષમાં રિઝર્વ બેંકે રેપો રેટમાં બે ટકાથી વધુનો વધારો કર્યો છે.

(10:49 am IST)