Gujarati News

Gujarati News

News of Thursday, 25th March 2021

એસીબીએ રેડ પાડતા તલાટી 20 લાખ રૂપિયા ગેસ પર મૂકીને બાળવા લાગ્યો:દરવાજો તોડી ઘરમાં જઈ પુરાવાનો નાશ કરતા રંગેહાથ દબોચ્યો

બળેલી નોટો અને ન બળેલાં દોઢ લાખ રૃપિયા પણ એસીબીએ કબજે કર્યા : રાજસ્થાનના સિરોહી જિલ્લાની ઘટના

રાજસ્થાનના સિરોહી જિલ્લાના પિંડવાડામાં ટેન્ડર આપવામાં ભ્રષ્ટાચાર થયો હતો. એ મુદ્દે એન્ટિ કરપ્શન બ્યુરોને ફરિયાદ મળતા બ્યુરોએ કાર્યવાહી કરી હતી. એસીબીની રેડ પડતાં તલાટીએ ઘરમાં ભ્રષ્ટાચારથી ભેગાં કરેલાં ૨૦ લાખ રૃપિયા બાળવાનું શરૃ કરી દીધું હતું, તેમ છતાં એસીબીની પક્કડમાંથી બચી શક્યો ન હતો.

સિરોહી જિલ્લાની આ ઘટના પ્રમાણે એસીબીએ તલાટી વતી ભ્રષ્ટાચારની રકમ લેવા પહોંચેલા રેવેન્યુ ઈન્સ્પેક્ટર માટે છટકું ગોઠવ્યું હતું. પિંડવાડાના રેવેન્યુ ઈન્સ્પેક્ટરે એક લાખ રૃપિયા લીધા તે સાથે જ એસીબીની ટીમે તેની ધરપકડ કરી હતી. એ પછી રેવેન્યુ ઈન્સ્પેક્ટરે તલાટીનું નામ આપ્યું હતું.
તલાટી કલ્પેશ કુમારને એસીબીની રેડ પડયાની જાણ થતાં તેણે ઘરમાં રહેલાં ૨૦ લાખ રૃપિયા ગેસ પર મૂકી દીધા હતા. ૫૦૦ રૃપિયાની નોટોની થપ્પીઓ એક પછી એક બળવા લાગી હતી, પરંતુ બધી જ નોટો બળી જાય તે પહેલાં જ એસીબીની ટીમ તલાટીના ઘરે આવી પહોંચી હતી.
તલાટીએ ઘર ખોલ્યું ન હતું. એસીબીની ટીમ બહાર હતી ત્યારે પણ તેણે નોટોનો નાશ કરવાનું ચાલુ રાખ્યું હતું. બહારની એક તિરાડમાંથી એસીબીએ તેનો વિડીયો બનાવ્યો હતો, જેમાં એક મહિલા પણ નોટો બાળવામાં તેને મદદ કરતી જણાય છે. એ વીડિયો ભારે વાયરલ થયો હતો.
બીજી તરફ સ્થાનિક પોલીસની મદદથી આખરે એસીબીની ટીમ દરવાજો તોડીને ઘરમાં ઘૂસી ગઈ હતી. એસીબીએ તલાટીને પુરાવા નાશ કરતાં રંગે હાથે ઝડપી લીધો હતો. બળેલી નોટો કબજે કરી હતી. એ સિવાયના ન બળેલાં દોઢ લાખ રૃપિયા પણ એસીબીએ કબજે કર્યા હતા અને પુરાવા સાથે ભ્રષ્ટાચારના આરોપમાં તેની ધરપકડ કરી હતી.

(12:14 am IST)