Gujarati News

Gujarati News

News of Thursday, 25th March 2021

દેશમાં કોરોનાથી સ્થિતિ સ્ફોટક :છેલ્લાં 24 કલાકમાં 59 હજાર કેસ : એક્ટિવ કેસની સંખ્યા 4 લાખને પાર

કોરોનાના લૉકડાઉનને આજે એક વર્ષ પૂર્ણ : મહારાષ્ટ્રમાં કોરોણાનો હાહાકાર : 16 ડિસેમ્બર પછી દિલ્હીમાં પ્રથમવાર 1,500થી વધુ નવા કેસો

નવી દિલ્હી : કોરોનાના લૉકડાઉનને આજે એક વર્ષ પૂર્ણ થઇ ગયું છે પરંતુ કોરોના કેસો ગત વર્ષ કરતાં પણ બમણી સ્પીડથી વધી રહ્યા છે. દેશમાં કોરોનાનો સેકન્ડ વેવ વધારે ઘાતક બની રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના દેશમાં 59,000 કેસો નોંધાયા છે. જ્યારે એક્ટિવ કેસોની સંખ્યા 4 લાખને પાર પહોંચી છે. હાલ એક્ટિવ કેસોની સંખ્યા 4.17 લાખની સપાટીએ છે. જો કે છેલ્લા 24 કલાકમાં 33 હજાર લોકોએ કોરોનાથી મુક્તિ મેળવી છે.

મહારાષ્ટ્ર સહિત દેશના 16 રાજ્યોમાં કોરોનાના નવા કેસમાં ઝડપી ઉછાળો નોંધાયો છે. જો દિલ્હીની વાત કરીએ તો અહીં કોરોનાના કેસો ફરી વધવા લાગ્યા છે. રાજધાનીમાં છેલ્લા 24 કલાકમાં દોઢ હજારથી વધુ નવા કેસો સામે આવ્યા છે. દિલ્હીમાં આજે 1,515 નવા કેસો સામે આવ્યા છે. 16 ડિસેમ્બર પછી દિલ્હીમાં પ્રથમવાર 1,500થી વધુ નવા કેસો રજિસ્ટર થયા છે.

મહારાષ્ટ્રની હાલત તો અમેરિકા જેવી થઇ ગઇ છે. મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના રેકોર્ડ બ્રેક 35,952 કેસો નોધાયા છે. જેમાં કુલ 111 લોકોના મોત નીપજ્યા છે. તો મહાનગર મુંબઇમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 5,504 નવા કેસો નોંધાયા છે. શહેરમાં એક દિવસમાં કોરોનાના કેસોની આ સર્વાધિક સંખ્યા છે. કોરોનાના કારણે શહેરમાં છેલ્લા 24 કલાકમાં 14 લોકોએ જીવ ગુમાવ્યો છે. બુધવારે મુંબઇમાં 5,185 નવા કેસો નોંધાયા હતા.

આ ઉપરાંત પુણેમાં 24 કલાકમાં 6,427, થાણે, નાગપુરમાં 3600થી વધુ નવા કેસ નોંધાયા છે. જ્યારે કુલ 20,444 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

મુંબઇમાં માસ્ક ન પહેરનારા સામે પોલીસ કડકાઇ દાખવી રહી છે. મુંબઇ પોલીસે માસ્ક ન પહેરાનારા શહેરના લગભગ બે લાખ લોકો પાસેથી એક મહિનાથી ઓછા સમયમાં દંડ તરીકે ચાર કરોડ રુપિયા વસુલ્યા છે. એક અધિકારીએ ગુરુવારે આ જાણકારી આપી. તેમણે કહ્યું કે આ દંડ 20 ફેબ્રુઆરીથી એકત્ર કરવામાં આવી રહ્યો છે.

(11:43 pm IST)