Gujarati News

Gujarati News

News of Thursday, 25th March 2021

ઈઝરાયલમાં કટ્ટર ઈસ્લામિક પાર્ટી રામ કિંગમેકર બનીને ઊભરી

ઈઝરાયલની ચૂંટણીમાં સત્તાધારી-વિપક્ષ વચ્ચે ટક્કર : દેશની સંસદમાં ૧૨૦ બેઠકો છે, બહુમતી માટે ૬૧ બેઠક જરૂરી, નેતન્યાહૂના ગઠબંધનને ૫૯ સીટ મળે એવા સંકેત

નવી દિલ્હી, તા. ૨૫ : ઈઝરાયલમાં મંગળવારે યોજાયેલી ચૂંટણીમાં કાંટાની ટક્કર બાદ 'રામ' નામની એક કટ્ટર અરબ ઈસ્લામિક પાર્ટી કિંગમેકર બનીને ઉભરી આવી છે. ગુરૂવારે સવાર સુધીમાં ૯૦ ટકા મતની ગણતરી થઈ પછી પણ ઘોર દક્ષિણપંથી ગણાતા નેતન્યાહૂની પાર્ટી લિકુડ અને તેના સહયોગી દળોને ૫૯ બેઠકો મળતી જણાઈ રહી છે.

ઈઝરાયલની સંસદ નેસેટમાં કુલ ૧૨૦ બેઠકો છે. સંજોગોમાં બહુમત માટે બેન્જામિન નેતન્યાહૂએ ગમે તેમ કરીને ઓછામાં ઓછી ૬૧ બેઠકોની વ્યવસ્થા કરવી પડશે.

વડાપ્રધાન નેતન્યાહૂના ગઠબંધન અને તેમના વિરોધી દળોના ગઠબંધન વચ્ચે ખૂબ ઓછું અંતર છે. નેતન્યાહૂના વિરોધી દળોના ગઠબંધનને ૫૬ બેઠકો મળશે તેવું અનુમાન છે. સંજોગોમાં રામ પાર્ટીની સરકાર બનાવવામાં મોટી ભૂમિકા દેખાઈ રહી છે. ચૂંટણીમાં રામ પાર્ટીને ઓછામાં ઓછી બેઠક મળશે તેવું અનુમાન છે. જો તે લિકુડ પાર્ટીના ગઠબંધનને સમર્થન આપે તો નેતન્યાહૂનું ફરી વડાપ્રધાન બનવાનું સપનું પૂરૂ થશે.

બેન્જામિન નેતન્યાહૂ પોતાની કટ્ટર રાષ્ટ્રવાદી વિચારધારા માટે ઓળખાય છે. તેઓ ફિલિસ્તાનીઓને વધુ છૂટ આપવાના અને ગાઝા પટ્ટીમાં ઈઝરાયલી કોલોનીઓના વિસ્તારને રોકવાની વિરૂદ્ધ છે. જ્યારે રામ પાર્ટીની વિચારધારા આનાથી તદ્દન વિપરિત છે. સંજોગોમાં રામ પાર્ટી પોતાની અપ્રાકૃતિક સહયોગી ગણાતી કટ્ટર રાષ્ટ્રવાદી લિકુડ પાર્ટીને સમર્થન આપશે કે કેમ તે જોવાનું રહ્યું.

(7:44 pm IST)