Gujarati News

Gujarati News

News of Wednesday, 25th March 2020

કોરોના વાયરસના ફેલાવાને રોકવા લેબ્સ- કિટોની જરૂરઃ મમતા બેનરજી

પશ્ચિમ બંગળાને ૭ને બદલે કેન્દ્રએ માત્ર ૧ લેબ આપીઃ ૧૦ કરોડની પ્રજા માટે માત્ર ૨ લેબોરેટરી

કોલકતાઃ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ સોમવારે કોરોના વાયરસના ફેલાવા સામે ચર્ચા કરવા માટે સચિવાલય ખાતે સર્વપક્ષીય બેઠક બોલાવી હતી. તમામ નેતાઓની વાતો સાંભળ્યા બાદ તેમણે જણાવ્યું હતું કે, રાજયમાં કોરોના વાયરસના કેસોની તપાસ કરવા માટે પશ્ચિમ બંગાળને વધુ લેબોરેટરી અને કિટોની જરૂર છે. તેમણે કહ્યું કે, કેન્દ્ર સરકારે રાજયની સાતની માંગણીઓ સામે ટેસ્ટ માટે માત્ર એક સુવિધા જ ફાળવી છે. તેમણે એવો પણ દાવો કર્યો કે, ટેસ્ટ કિટ જેવા તાત્કાલિક જરૂરિયાત વાળા સાધનો પણ કેન્દ્ર સરકારે પૂરા પાડયા નથી.

તેમણે હાજર રહેલા તમામ પક્ષોના નેતાઓને કહ્યું હતું કે, કોરોના વાયરસને પહોંચી વળવા માટે દરેક રાજય માટે સ્પેશિયલ પેકેજની ખાતરી કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આગ્રહ કરે. હાલમાં રાજયમાં ૧૦ કરોડની વસ્તી માટે કોરોના વાયરસના ટેસ્ટ માટે માત્ર બે લેબોરેટરી છે. કેટલીક પ્રાઈવેટ હોસ્પિટલો વ્યવસ્થા કરવા માટે તૈયાર છે. પરંતુ તેઓ આઈસીએમઆરની મંજૂરી તથા દિશાનિર્દેશની રાહ જોઈ રહ્યા છે.

(3:29 pm IST)