Gujarati News

Gujarati News

News of Wednesday, 25th March 2020

સાવચેત રહીશું તો ત્રણ સપ્તાહમાં જીતી શકશું લડાઇ

કોરોના ટેસ્ટ માટે ૨૨ ખાનગી લેબ રજીસ્ટર્ડ : આરોગ્ય મંત્રાલય

નવી દિલ્હી તા. ૨૪ : કોરોના સામેની લડાઇ અંતિમ તબક્કામાં પહોંચી રહી છે. આ દરમિયાન સાવચેતી પૂર્વક આગળ વધારેલું દરેક પગલું આપણી જીત સુનિશ્ચિત કરશે. વડાપ્રધાન મોદીએ દેશભરમાં ૨૧ દિવસના લોકડાઉનની જાહેરાત કરી દીધું છે. ખરેખર તો કોરોનાને હટાવવામાં આ અઠવાડિયા બહુ મહત્વના છે. ઇન્ડીયન કાઉન્સીલ ઓફ મેડિકલ રિસર્ચ (આઇસીએમઆર)ના તાજા રિપોર્ટમાં પણ આ ત્રણ સપ્તાહનું મહત્વ જાહેર થયું છે. રિપોર્ટમાં હોમ કવોરન્ટાઇન અને લોકડાઉન જેવા પગલાઓને કોરોનાને ફેલાતો રોકવાની દિશામાં બહુ કારગત ગણાવાયા છે.

આઇસીએમઆર અનુસાર, જો સાવચેતીપૂર્વક આદેશોનું પાલન કરવામાં આવે તો ૨૨ દિવસમાં વાયરસના કહેરને રોકવો શકય છે. જો કે જો બેદરકારી થઇ તો આની સામે નિપટવામાં કેટલાય મહીના લાગી જશે. ફેબ્રુઆરીની આખર સુધીમાં બહાર આવેલા કેસોનું ગાણિતિક વિશ્લેષણ કરીને આઇસીએમઆરે આ તારણ કાઢયું છે. તેણે કોરોનાના પ્રસાર બાબતે અન્ય કેટલાક નિષ્કર્ષ પણ કાઢયા છે.

તેમાં કહેવાયું છે કે કોરોનાથી ગ્રસિત એક વ્યકિત એક દિવસમાં ચાર લોકોમાં ફેલાવી શકે છે. એટલે તેને રોકવામાં સૌથી મહત્વની વાત એ છે કે આપણે સંક્રમિત લોકોને સ્વસ્થ લોકોથી કેટલા દુર રાખી શકીએ છીએ.

આઇએમસીઆરના ડોકટર રમણ ગંગાખેડકર અનુસાર કોરોનાને રોકવાનો સૌથી કારગત ઉપાય લોકોને એકબીજાથી દુર રાખવા એટલે કે ડીસ્ટન્સીંગ છે. તેનાથી વાયરસના ફેલાવામાં ૬૨ ટકાનો ઘટાડો થઇ શકે છે. જો લોકડાઉનનું પાલન પૂર્ણપણે કરવામાં આવે તો તેનાથી નવા દર્દીઓની સંખ્યાને એક દિવસમાં ૧૦૦૦ની જગ્યાએ ૧૧૦ સુધી લાવી શકાય છે.

(11:27 am IST)