Gujarati News

Gujarati News

News of Wednesday, 25th March 2020

કોરાનાએ અર્થતંત્રની કેડ ભાંગી નાખી : બેકારીના બિહામણા દ્રશ્યો

નોટબંધી પછી આવેલી મંદીમાં પડયા પર પાટુ : શ્રમજીવી વર્ગનું રોજીંદુ 'ચક્ર' અટકી ગયુઃ ભાડા - લોનના હપ્તા ચડી જશે : સરકારને ટેક્ષની આવકમાં મોટા ગાબડા : કારમી નાણાભીડ ગુન્હાહિત પ્રવૃત્તિને નોતરે તેવી ભીતિ

રાજકોટ તા. ૨૫ : વિશ્વ વ્યાપી કોરોનાની મહામારીએ ભારતમાં ગંભીર વિપરીત અસર કરી છે. ગયા રવિવારથી જનતા કર્ફયુનો અમલ હતો. ગઇકાલ રાતથી ભારત સરકારે ૨૧ દિવસનો સંપૂર્ણ લોકડાઉન જાહેર કર્યો છે. આટલા લાંબા સમય સુધી વેપાર - ધંધા બંધ રહે અને જનજીવન લગભગ ઠપ થઇ જાય તેવું ભારતના ઇતિહાસમાં પ્રથમ વખત બન્યું છે. જેની કોઇ દવા શોધાયેલ નથી તેવા આ ખતરનાક રોગ સામે લોકડાઉનનું પગલુ અનિવાર્ય હોવાનું નિષ્ણાંતોનું કહેવું છે. કોરોનાએ દેશના અને રાજ્યના અર્થતંત્રની કેડ ભાગવાનું જાણે નક્કી કરી લીધું છે. રોગચાળો કયારે કાબુમાં આવશે તે કહેવું મુશ્કેલ છે પરંતુ તેના કારણે બેરોજગારી બેકાબુ બનશે તે નિશ્ચીત છે.

છેલ્લા ત્રણ વર્ષમાં નોટબંધી અને જીએસટીના અમલીકરણથી વેપાર ધંધામાં ખુબ મંદી હતી. તેમાં આ કોરોનાના રોગચાળાએ પડયા પર પાટુ માર્યું છે. નોટબંધી વખતે જનઆરોગ્ય પર કોઇ જોખમ નહતું આ વખતે તે વધારાનું ઉપાધી આવી પડી છે. અનિશ્ચિત મુદ્દત સુધી જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું છે. કારખાના - દુકાનો - લારી-ગલ્લા વગેરે બંધ થઇ ગયા છે. ગરીબ અને મધ્યમ વર્ગે જીવનનો ગુજારો કરવો મુશ્કેલ બન્યો છે. રોજીંદુ ચક્ર અટકી પડયું છે. આર્થિક રીતે સામાન્ય રીતે સ્વમાનભેર જીવવાનું મુશ્કેલ બન્યું છે. વેપાર - ધંધા બંધ થઇ ગયા હોવાથી ગરીબ - મધ્યમ વર્ગના ઘરમાં અનાજ ખુટવા લાગ્યું છે. સરકાર અને સ્વૈચ્છીક સંસ્થાઓ વૈકલ્પિક વ્યવસ્થા કરે તે કેટલી અસરકારક નિવડે છે તે એક સવાલ છે. મકાન - દુકાનના ભાડા ચડી જશે, લોનના હપ્તા ભરવામાં મુશ્કેલી પડવાથી બેંકોનું એનપીએ વધવાની શકયતા છે.

સરકારને જુદા - જુદા ટેકસની આવકમાં ધરખમ ગાબડા પડશે તેની સીધી અસર સરકારી તિજોરી અને લોકઉપયોગી યોજનાઓ પર પડશે. સરકારની ભરતી પ્રક્રિયા અટકી પડી છે તેનાથી યુવાનોને નોકરી મેળવવાની આશા ધુંધળી બની છે. કારમી નાણાભીડના કારણે લોકો અનિચ્છનીય પગલા તરફ વળે તેવી ભીતી સમિક્ષકો નકારતા નથી.

 કોરોનાના કારણે આવતા દિવસોમાં આર્થિક - સામાજીક - માનસીક વગેરે રીતે બિહામણા દ્રશ્યો ડોકાવા લાગ્યા છે. ભગવાન આ મુશીબતમાંથી ઉગારે તેવી પ્રાર્થના વિશ્વભરના લોકો કરી રહ્યા છે.

(11:23 am IST)