Gujarati News

Gujarati News

News of Wednesday, 25th March 2020

લોકડાઉન ભલે હોય... દોઢ વર્ષ સુધી ગરીબોને વિનામૂલ્યે ભોજન કરાવી શકે છે ભારતઃ રાશનનો ભંડાર ભરેલો છે

ગરીબોને વહેંચવા માટે ૫૦ થી ૬૦ મીલીયન ટન રાશનની જરૂરીયાત હોય છેઃ એપ્રિલના અંત સુધીમાં દેશ પાસે ૧૦૦ મીલીયન ટન અનાજ હશે

નવી દિલ્હી, તા. ૨૫ :. કોરોના વાયરસના સંકટ વચ્ચે સમગ્ર દેશમાં લોકડાઉન જાહેર કરવામાં આવેલ છે. બજારો, દુકાનો, વેપારી ગતિવિધિઓ અને કંપનીઓ બંધ છે. જેને કારણે ગરીબ મજુરો, રોજેરોજનું કમાતા લોકો અને નીચલા સ્તરના કર્મચારીઓ ઉપર ભારે માર પડયો છે. આવી સ્થિતિમાં દિલ્હી અને યુપી સહિત અનેક રાજ્યોની સરકારે રાશનમાં છૂટનુ એલાન કર્યુ છે. એવામાં એ સવાલ વ્યાજબી છે કે ભારત કેટલા દિવસ સુધી લોકડાઉનની સ્થિતિમાં ગરીબોને ભોજન ઉપલબ્ધ કરાવી શકે છે.

ભારત પાસે દોઢ વર્ષ ચાલે તેટલો અન્નનો ભંડાર છે જેનો ઉપયોગ ગરીબોના ભોજન માટે થઈ શકે છે. એટલુ જ નહિ આવતા દિવસોમાં નવો પાક આવે એટલે ભંડારમાં વધારો થશે.

એફસીઆઈના ચેરમેન ડી.વી. પ્રસાદે જણાવ્યુ છે કે દેશમાં અનાજની કોઈ અછત નથી. ગરીબોને વેચવા માટે લગભગ ૫૦ થી ૬૦ મીલીયન ટન રાશનની જરૂરીયાત હોય છે. જ્યારે એપ્રિલના અંત સુધીમાં દેશ પાસે ૧૦૦ મીલીયન ટન અનાજ હશે. ૨૦૧૯-૨૦માં ભારતમાં ૨૯૨ મીલીયન ટન રેકોર્ડ અનાજના ઉત્પાદનનું અનુમાન છે.

પ્રસાદે કહ્યુ હતુ કે, દેશના કોઈપણ ભાગમા પુરવઠા પહોંચાડવાની બાબતે ચિંતા નથી. જો કે ગઈકાલે રાત્રે લોકો અનાજ લેવા દોડયા હતા. લોકડાઉન જાહેર થયા બાદ રાશન નહિ મળે એ શંકાએ લોકોએ લાઈનો લગાવી હતી.

(11:07 am IST)