Gujarati News

Gujarati News

News of Sunday, 25th February 2018

એપ્રિલ માસથી રાજ્યસભામાં સરકારની સ્થિતિ વધુ મજબૂત

રાજ્યસભામાં વિપક્ષની સ્થિતિ નબળી પડશે : એપ્રિલમાં ૩ નોમિનેટેડ, એક અપક્ષ સહિત ૫૮ સાંસદો નિવૃત્ત થઇ રહ્યા છે : વર્તમાન પ્રવાહ જળવાય તેવા એંધાણ

નવીદિલ્હી, તા. ૨૫ : એપ્રિલ મહિના બાદથી રાજ્યસભામાં મોદી સરકારની સ્થિતિ આંકડાની દ્રષ્ટિએ વધુ મજબૂત બની શકે છે. રાજ્યસભામાં વિપક્ષની સ્થિતિ આંકડાની દ્રષ્ટિએ નબળી બની શકે છે. સરકારી બિલને રોકવા માટે વિપક્ષની શક્તિ ઘટી શકે છે. કારણ કે, ભાજપના નેતૃત્વમાં એનડીએ ગઠબંધન ઝડપથી તેના હરીફોને દૂર કરવાના પ્રયાસમાં છે. અલબત્ત સ્પષ્ટ બહુમતિ હજુ પણ રહેશે નહીં. એપ્રિલ મહિનામાં ત્રણ નોમિનેટેડ અને એક સ્વતંત્ર સહિત ૫૮ સાંસદો નિવૃત્ત થઇ રહ્યા છે. રાજ્યસભામાં નવેસરની ચૂંટણી પણ થનાર છે. આવી સ્થિતિમાં એનડીએની સ્થિતિ મજબૂત બની શકે છે. ઉપલાગૃહની ચૂંટણીમાં પણ જો ભાજપ તરફથી ચૂંટણી પરિણામ રહેશે તો ભાજપની સ્થિતિ મજબૂત બનશે. હાલના દિવસોમાં રાજ્ય વિધાનસભાઓની સંખ્યામાં બહુમતિના પરિણામ સ્વરુપે ભાજપની સ્થિતિ સુધરી છે. ૨૦૧૪ લોકસભાની ચૂંટણી બાદથી એનડીએની સ્થિતિ દિનપ્રતિદિન મજબૂત બની રહી છે. બીજી બાજુ કોંગ્રેસના નેતૃત્વમાં વિપક્ષના સભ્યો હાલમાં ૧૨૩થી ઘટીને ૧૧૫ની આસપાસ રહી શકે છે. બીજી બાજુ ભાજપ અને તેના સાથી પક્ષોના સભ્યોની સંખ્યા હાલમાં ૧૦૦ સભ્યોથી વધીને ૧૦૯ સભ્ય સુધી પહોંચી શકે છે. આ અંતર રહેવાની સ્થિતિમાં વિરોધ પક્ષને પોતાની રજૂઆત મજબૂતરીતે કરવામાં વધારે મુશ્કેલી પડશે. ૫૫ નિવૃત્ત થઇ રહેલા સભ્યોમાં નોમિનેટેડ સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો નથી. ૫૫ નિવૃત્ત થતાં સભ્યો પૈકી ૩૦ સભ્યો વિપક્ષી કેમ્પના છે જ્યારે ૨૪ ભાજપ અને સાથી પક્ષોના છે. આ પૈકી એનડીએ ઉમેદવારોની સંખ્યા પરત ફરી શકે છે જ્યારે વિપક્ષ તેના ઘણા સભ્યોને ગુમાવે તેમ માનવામાં આવે છે. કોંગ્રેસના નેતૃત્વમાં વિપક્ષ ૨૩૩ ચૂંટાયેલા સભ્યોના ગૃહમાં કોંગ્રેસના ૫૪ સાથે ૧૨૩ સાંસદો ધરાવે છે. જ્યારે એનડીએ ૮૩ સભ્યો ધરાવે છે જેમાં ભાજપના ૫૮ સભ્યોનો સમાવેશ થાય છે. ચાર અપક્ષ સભ્યો છે જે ભાજપને ટેકો આપે છે જેમાં સાંસદ રાજીવ ચંદ્રશેખર, સુભાષચંદ્ર, સંજય દત્તાત્રેય અને અમરસિંહનો સમાવેશ થાય છે. તમામ પ્રેક્ટિકલ હેતુ માટે અન્નાદ્રમુક જે રાજ્યસભામાં ૧૩ સભ્યો ધરાવે છે તે પણ એનડીએની સાથે છે. આનો મતલબ એ થયો કે , ઉપલા ગૃહમાં એનડીએનું અસરકારક સંખ્યાબળ ૧૦૦નું છે.

થોડાક મહિના પહેલા આ અંતર વધારે હતું. ચાર વર્ષના ગાળામાં નરેન્દ્ર મોદી સરકારને રાજ્યસભામાં અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. વિપક્ષની બહુમતિ આના માટે મુખ્યરીતે જવાબદાર છે. જેના લીધે ઘણા બિલને પરત લેવાની ફરજ પડી છે. જો કે, એપ્રિલ મહિના બાદ એનડીએ વધુ સારી સ્થિતિમાં આવી જશે. ૧૦૦ ભાજપ અને તેના સાધી સાંસદો પૈકી ૨૪ નિવૃત્ત થઇ રહ્યા છે. આનો મતલબ એ થયો કે સરકાર પાસે ૭૬ સાંસદો રહી જશે. ઓછામાં ઓછા ૩૦ એનડીએ સભ્યો ચુંટાઈ શકે છે જેથી આંકડો વધીને ૧૦૬ ઉપર પહોંચશે.

(7:44 pm IST)