Gujarati News

Gujarati News

News of Sunday, 25th February 2018

માનવ હિતોમાં મશીનોનો ઉપયોગ જરૂરી છે : મોદી

મન કી બાત કાર્યક્રમમાં અનેક મુદ્દા પર વાત કરી : એલિફેન્ટા દ્વિપના ૩ ગામમાં ૭૦ વર્ષ બાદ વિજ પહોંચી હોળીના પ્રસંગે દેશના લોકોને મોદીએ શુભેચ્છા પાઠવી

નવીદિલ્હી,તા. ૨૫ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મન કી બાત કાર્યક્રમ પર આજે અનેક મુદ્દા ઉપર વિસ્તારપૂર્વક વાત કરી હતી. મોદીએ વિજ્ઞાન દિવસ, મહિલા દિવસ અને હોળીને લઇને અનુભવની આપલે પણ કરી હતી. મોદીએ ઉમેર્યું હતું કે, દેશભરના કેટલાક લોકોએ વિજ્ઞાનને લઇને પ્રશ્નો કર્યા છે. તેમણે માહિતી આપતા કહ્યું હતું કે, એલિફેન્ટા દ્વિપના ત્રણ ગામમાં સ્વતંત્રતાના ૭૦ વર્ષ બાદ વિજળી પહોંચી છે. મોદી એ મન કી બાતના ૪૧માં કાર્યક્રમમાં વિજ્ઞાન દિવસ સાથે શરૂઆત કરી હતી. ભારત રત્નથી સન્માનિત સર સીવી રમનને પણ યાદ કર્યા હતા અને કહ્યું હતું કે, આ દેશે વિજ્ઞાનના ક્ષેત્રમાં અનેક મહાન વૈજ્ઞાનિકોને જન્મ આપ્યા છે. મહાન ગણિતશાસ્ત્રી બોધાયન, ભાસ્કર, બ્રહ્મગુપ્ત, આર્યભટ્ટની પરંપરા રહી છે જ્યારે તબીબી ક્ષેત્રમાં શુશુસ્ત્ર અને ચરક ગૌરવ સમાન રહ્યા છે. જગદીશચંદ્ર બોઝ અને હરગોવિંદસિંહ ખુરાના ગૌરવ સમાન રહ્યા છે. મોદીએ ઉમેર્યું હતું કે, માનવ હિતમાં ટેકનોલોજી અને મશીનોનો ઉપયોગ કરવામાં આવે તે જરૂરી છે. ચોથી માર્ચના દિવસે નેશનલ સેફ્ટી ડે છે. સુરક્ષાના પાસાને મહત્વ મળે તે જરૂરી છે. ભુલો નહીં કરવાની સ્થિતિમાં દુર્ઘટના ઘટી શકે છે. મોટાભાગની દુર્ઘટનાઓ ભુલના કારણે સર્જાય છે. એનડીએમએની પ્રશંસા કરતા તેમણે કહ્યું હતું કે, કુદરતી હોનારતોથી લડવા માટે એનડીએમએ હંમેશા તૈયાર રહે છે. એનડીએમએ લોકોને ટ્રેનિંગ આપે છે. ઇમરજન્સી મેનેજમેન્ટને લઇને સાવચેતી રાખે છે. તેમણે ઉમેર્યું હતું કે, ખેડૂતો પણ જુદા જુદા ક્ષેત્રોમાં આગળ આવે તે જરૂરી છે. વિશ્વ મહિલા દિવસથી પહેલા તેમણે ઉમેર્યું હતું કે, મહિલાઓએ પોતાના આત્મબળથી પોતાને આત્મનિર્ભર બનાવી છે. પહેલા પુરુષોની ઓળખ મહિલાઓ સાથે થતી હતી. નારીનો સમગ્ર વિકાસ સશક્ત નારી જ ન્યુ ઇન્ડિયા છે. આર્થિક સામાજિક ક્ષેત્રમાં મહિલાઓની ભાગીદારી અમારી તમામની જવાબદારી છે. ૧૫ લાખ મહિલાઓએ એક મહિના સુધી સ્વચ્છતા ઝુંબેશ ચલાવી છે.

(9:19 pm IST)