Gujarati News

Gujarati News

News of Saturday, 25th January 2020

રાજસ્થાન વિધાનસભા ગૃહમાં CAA વિરોધી પ્રસ્તાવ પસાર

કેરળ અને પંજાબ બાદ ત્રીજુ રાજ્ય બની ગયું : મમતા બેનર્જીના નેતૃત્વમાં બંગાળ સરકાર પણ ટૂંકમાં જ કાનૂન સામે પ્રસ્તાવ લાવશે : વિરોધ પ્રદર્શનનો દોર જારી

જયપુર, તા. ૨૫ : નાગરિક સુધારા કાનૂનની સામે પ્રસ્તાવ પાસ કરનાર રાજસ્થાન દેશમાં ત્રીજુ રાજ્ય બની ગયું છે. પહેલા કેરળ અને પંજાબ વિધાનસભામાં પણ કાનૂનની સામે પ્રસ્તાવ પાસ કરવામાં આવી ચુક્યા છે. મમતા બેનર્જીના નેતૃત્વમાં બંગાળ સરકાર પણ કાનૂનની સામે ટૂંક સમયમાં પ્રસ્તાવ લાવનાર છે. ઉપરાંત અન્ય કોંગ્રેસ શાસિત રાજ્યો પણ કાનૂનનો વિરોધ કરી રહ્યા છે. તેઓ પણ ટૂંક સમયમાં આની સામે પ્રસ્તાવ લાવી શકે છે. કોંગ્રેસ પાર્ટી શરૂઆતથી કાનૂનને લઇને વિરોધ પ્રદર્શન કરતી રહી છે. કોંગ્રેસ શાસિત રાજ્યોએ કાનૂનને લાગૂ કરવાનો ઇન્કાર કરી દીધો છે. દિશામાં પ્રથમ પગલું કેરળની લેફ્ટ સરકારે ઉઠાવ્યું છે. લેફ્ટ સરકારે રાજ્યની વિધાનસભામાં કાનૂનની સામે પ્રસ્તાવ પાસ કર્યો હતો ત્યારબાદ કેપ્ટન અમરિન્દરસિંહના નેતૃત્વમાં પંજાબ સરકારે પણ કાનૂનની સામે પ્રસ્તાવ પાસ કર્યો હતો.

               અત્રે નોંધનીય છે કે, નાગરિક સુધારા કાનૂન હેઠળ પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશથી આવેલા ધર્મના શરણાર્થીઓને નાગરિકતા આપવાની જોગવાઈ કરવામાં આવી છે. આમા સાફ શબ્દોમાં કહેવામાં આવ્યું છે કે, નાગરિકતા માત્ર લોકોને આપવામાં આવશે જે ધાર્મિક અત્યાચારનો સામનો કરી ચુક્યા છે અને ધાર્મિક અત્યાચારનો સામનો કર્યા બાદ ભારત આવી રહ્યા છે. સાથે સાથે ૩૧મી ડિસેમ્બર ૨૦૧૪ના પહેલાથી ભારત આવેલા લોકોને નાગરિકતા આપવાના નિયમો બનાવવામાં આવી રહ્યા છે. કોંગ્રેસ પાર્ટીના આરોપ છે કે, સરકાર ધાર્મિક આધાર પર નાગરિકતા આપી રહી છે જે બંધારણની સામે છે. નાગરિક કાનૂનને લઇને દેશના જુદા જુદા ભાગોમાં જોરદાર વિરોધ પ્રદર્શન જારી છે. ટૂંક સમયમાં અન્ય રાજ્યો પણ નાગરિક સુધારા કાનૂનને લઇને વિરોધ પ્રદર્શન કરી શકે છે.

(7:41 pm IST)