Gujarati News

Gujarati News

News of Saturday, 25th January 2020

હવે ઉદ્ધવ ઠાકરે સાતમી માર્ચે અયોધ્યા જશે : કાર્યક્રમ તૈયાર

સાતમી માર્ચના દિવસે સત્તામાં ૧૦૦ દિવસ પૂર્ણ : રાહુલ ગાંધીને સાથે લઇ જવાને લઇ શિવસેનાના પ્રવક્તા સંજય રાવતના તીવ્ર પ્રહાર

મુંબઈ, તા. ૨૫ : મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સત્તામાં આવ્યા બાદ ૧૦૦ દિવસ પૂરા કરવાના પ્રસંગે ૭મી માર્ચના દિવસે અયોધ્યા પહોંચશે જ્યાં રામ લલ્લાના દર્શન કરીને આશીર્વાદ લેશે. શિવસેનાના પ્રવક્તા સંજય રાવતે આજે માહિતી આપતા કહ્યું હતું કે, માર્ચમાં ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વમાં સરકાર ૧૦૦ દિવસ પુરા કરી રહી છે. સાતમી માર્ચના દિવસે ઉદ્ધવ ઠાકરે અયોધ્યા જનાર છે. પહેલા રાવતે કોંગ્રેસી નેતા રાહુલ ગાંધીને પણ અયોધ્યા માટે આમંત્રણ આપ્યું હતું. ભાજપ દ્વારા રાહુલ ગાંધીને અયોધ્યા લઇ જવાની વાત થઇ રહી છે તે અંગે પૂછવામાં આવતા રાહતે કહ્યું હતું કે, ભાજપના નેતા જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહેબુબા મુફ્તીને અયોધ્યામાં લઇ જવાની હિંમત કરી શકે નહીં. હિન્દુત્વના મુદ્દા ઉપર ક્યારે એક સાથે આગળ વધનાર શિવસેનાના ભાજપ સાથે સંબંધ તુટી ચુક્યા છે. ઉદ્ધવ ઠાકરેની યાત્રા એવા સમયે થઇ રહી છે જ્યારે રાજ ઠાકરે ભગવા રંગમાં રંગાઈ રહ્યા છે.

                 છેલ્લી લોકસભા ચૂંટણી દરમિયાન ભાજપ અને વડાપ્રધાન મોદી સામે પ્રચાર કરનાર રાજ ઠાકરેએ નાગરિક સુધારા કાનૂન તથા એનઆરસીનો બચાવ કર્યો છે. રાજ ઠાકરેના નિવેદનથી શિવસેનાની ચિંતા વધી છે. તમામ લોકો જાણે છે કે, રામ મંદિરના મુદ્દા ઉપર સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવી ગયા બાદ ઉદ્ધવ ઠાકરેએ જાહેરાત કરી હતી કે, તેઓ અયોધ્યા જશે પરંતુ હજુ સુધી જઈ શક્યા નથી. શિવસેનાએ કોંગ્રેસ અને એનસીપીના સરકાર સાથે મહારાષ્ટ્રમાં સરકાર બનાવી છે. ઉદ્ધવ ઠાકરે દ્વારા ૨૮મી નવેમ્બર ૨૦૧૯ના દિવસે મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. તેમની સરકાર માર્ચ મહિનામાં ૧૦૦ દિવસ પુરા કરી રહી છે. ૯મી નવેમ્બર ૨૦૧૯ના દિવસે અયોધ્યા વિવાદમાં સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવ્યો હતો. જો કે, રાજ્યમાં ઝડપથી બદલાઈ રહેલા રાજકીય ઘટનાક્રમ વચ્ચે ઉદ્ધવ ઠાકરે દ્વારા યાત્રા ટાળવામાં આવી હતી. જૂન મહિનામાં ઉદ્ધવે પોતાના પાર્ટીના સાંસદો સાથે અયોધ્યા ગયા હતા.

(7:40 pm IST)