Gujarati News

Gujarati News

News of Saturday, 25th January 2020

ચોરી વધવા અને અસુરક્ષાને કારણે કાનુની સ્થિતિ માટે મુશ્કેલી પેદા થવાના ડરને કારણે

ઇ-વે બિલથી બહાર જ રહેશે સોનુ

નવી દિલ્હી, તા.૨૫: ચોરીઓ વધવાથી અને અસુરક્ષાના કારણે હાલ પૂરતો સોનાને ઇ-વે બીલના દાયરામાં રાખવાનો કોઇ નિર્ણય નથી લેવાઇ શકયો ગયા અઠવાડીયે જીેઅસટીની ટેક્ષ ચોરી અંગે બનેલી સમિતિની મીટીંગમાં આ બાબતે સ્થિતી યથાવત રાખવાનો નિર્ણય લેવાયો છે.

દેશમાં સોનાના કારોબારમાં થઇ રહેલી ટેક્ષ ચોરી બાબતે ઘણાં રાજયોએ જીએસટી કાઉન્સીલમાં તેને ઇ-વે બિલના દાયરામાં રાખવાની માંગણી કરી હતી. આ માંગણી બાબતે કેરળ અને હરિયાણા સૌથી આગળ હતા. સરકારે ગયા વર્ષમાં આ બાબતે ઘણી બધી મીટીંગો પણ કરી હતી પણ હજુ સુધી તેના પર કોઇ નિર્ણય નથી થયો. એપ્રિલ ૨૦૧૮માં જ સરકારે એક રાજયમાંથી બીજા રાજયમાં જતા ૫૦ હજાર રૂપિયાથી વધારે કિંમતની સામાન માટે ઇ-વે બિલની વ્યવસ્થા શરૂ કરી હતી. પેનલની બેઠકમાં મોટા ભાગના સભ્યો જુની વ્યવસ્થા ચાલુ રાખવાનુ કહી રહ્યા હતા. આ પહેલા જીએસટીની કાયદા સમિતી પણ આ મુદા પર વિચાર વિમર્શ કરી રહી હતી તે કમિટીમાં કેન્દ્ર અને રાજય સરકારના અધિકારીઓ સામેલ હતા. તે કમિટીએ પણ સોના પર જીએસટી ચોરીના સમાચારો પછી તેને રોકવાના ઉદેશથી ઇ-વે બીલ બાબતે ઘણો સમય વિચાર વિમર્શ કર્યો હતો.

સમિતિ એવા નિષ્કર્ષ પર પહોંચી કે આના માટે ખાસ એન્ક્રીપ્ટેડ ઇ-વે બીલની વ્યવસ્થા કરવામાં આવે. રાજયોનું કહેવું છે કે સોનાને ઇ-વે બીલમાં સામેલ ન કરવાથી તેમને નુકશાન ઉઠાવવું પડે છે.

સમિતીની હાલની બેઠકમાં એવો તર્ક સામે આવ્યો કે ઇ-વે બીલ સિસ્ટમ દ્વારા માલના લોકેશન પર લાઇવ નજર રાખી શકાય છે અને વિભાગને જાણ રહે છે કે સામાન કઇ કઇ જગ્યાએ થઇને જઇ રહ્યો છે. એટલે એવા કન્સાઇનમેન્ટો જેમાં સોનુ, હિરા સહિતની કિંમતી ધાતુઓ અને રત્નો લઇ જવાતા હોય અને તેનું લોકેશન જો લીક થઇ જાય તો ચોરી અને લુંટનો ભય વધી જશે. એટલું જ નહીં જે વિસ્તારોમાંથી તે સામાન પસાર થાય ત્યાં વધારાની સુરક્ષા વ્યવસ્થા પણ કરવી પડે. તેના લીધે વેપારીઓની સાથે સુરક્ષા એજન્સીઓ માટે પણ નવા પડકારો ઉભા થશે.

(12:05 pm IST)