Gujarati News

Gujarati News

News of Saturday, 25th January 2020

બે બહેનોના અનોખા લગ્ન : રૂમાલ પર કંકોતરી છપાવી, ઘોડી પર બેસીને વરઘોડો અને મહેમાનોને ભેટમાં છોડ

ભોપાલ તા. ૨૫ : લગ્ન એ જીવનનો એક અવિસ્મરણીય પ્રસંગ હોય છે અને દરેક વ્યકિત પોતાનાં લગ્નને યાદગાર કરવા માગતી હોય છે. આજકાલ ગ્લોબલ વોર્મિંગને કારણે મોટા ભાગના લોકો તેમના જીવનના ખાસ પ્રસંગને પર્યાવરણ સાથે સાંકળી લેતા હોય છે, જેનાથી કાંઈક નવું કર્યાનો આનંદ મળવા સાથે પર્યાવરણની જાળવણી પણ કરાવી શકાય છે.

આવો જ એક કિસ્સો ખંડવામાં બન્યો છે. ખંડવામાં પાટીદાર સમાજની બે બહેનો વરઘોડા સાથે વાજતેગાજતે લગ્નસ્થળે પહોંચીહતી. બન્ને બહેનો બેન્ડવાજાં સાથે હાથમાં તલવાર લઈને ઘોડી પર સવાર થઈ હતી. લગ્નમાં પર્યાવરણ બચાવવાનો સંદેશ આપતાં તેમણે લગ્નની પત્રિકા પેપરકાર્ડને બદલે રૂમાલ પર છપાવી અને લગ્નમાં આવેલા મહેમાનોને છાંયડો આપતાં તેમ જ ઔષધીય ગુણ ધરાવતા છોડ ભેટ આપ્યા, જેમાં ૫૧ પીપળા, ૫૧ તુલસી અને ૫૧ લીમડાના છોડ હતા. બન્ને બહેનોનાં લગ્ન વિશે તેમના કાકા દીપક પાટીદારે જણાવ્યું હતું કે 'અમે એક નવી પહેલ શરૂ કરી છે. આશા છે કે લોકો લગ્નમાં આ રિવાજને પણ સામેલ કરશે. છોડવાઓને જો બાળકની જેમ સંભાળવામાં આવે તો પ્રદૂષણથી મુકિત મળી શકે છે.'

(12:05 pm IST)