Gujarati News

Gujarati News

News of Saturday, 25th January 2020

ગણતંત્ર દિવસની ભેટ

સમગ્ર જમ્મુ-કાશ્મીરમાં ૨-જી મોબાઈલ સેવા શરૂ

જો કે ૩૦૧ જેટલી વેબસાઈટ જ જોઈ શકાશેઃ સોશ્યલ મીડિયાનો ઉપયોગ થઈ નહિ શકે

જમ્મુ, તા. ૨૫ :. નવા જમ્મુ કાશ્મીરમાં પહેલા ગણતંત્ર દિવસ પર સરકારે મોબાઈલ ઈન્ટરનેટ ચાલુ કરવાની નાગરિકોને ભેટ આપી છે. કલમ ૩૭૦ હટાવ્યા પછી પાંચ મહિનાથી વધારે સમયથી સ્થગિત મોબાઈલ ઈન્ટરનેટ સેવા આજથી આખા જમ્મુ કાશ્મીરમાં ચાલુ કરી દેવાય છે.

જો કે હાલ પુરતી ઈન્ટરનેટની સ્પીડ ૨જીની જ રહેશે. આ સુવિધા પ્રીપેડ અને પોસ્ટપેડ બન્ને મોબાઈલ ધારકો માટે ઉપલબ્ધ થશે. સરકારે આ સાથે જ ૩૦૧ વેબસાઈટની વ્હાઈટ લિસ્ટ યાદી બહાર પાડી છે. જેનો ઉપયોગ ઉપભોકતાઓ કરી શકે છે. આ પહેલા ૧૫૩ વેબસાઈટનું વ્હાઈટ લીસ્ટ બહાર પડાયુ હતું. ગૃહ વિભાગના મુખ્ય સચિવ શાલીન કાબરા તરફથી આ આદેશ ગઈકાલે બહાર પડાયો હતો.

આદેશમાં કહેવાયુ છે કે મોબાઈલ પર ૨-જી ઈન્ટરનેટ સેવા ૩૧ જાન્યુઆરી સુધી ચાલુ રહેશે ત્યાર પછી સમીક્ષા કરીને તેને ચાલુ રાખવા પર વિચારણા કરાશે. જમ્મુ વિભાગના બધા એટલે કે ૧૦ જીલ્લાઓ અને કાશ્મીર વિભાગના બે જીલ્લાઓ કુપવાડા અને બાંદીપોરામાં ૨-જી મોબાઈલ ઈન્ટરનેટ સુવિધા ૧૮મી જાન્યુઆરીએ ચાલુ કરવામાં આવી હતી. જો કે મોબાઈલ ઈન્ટરનેટનો લાભ ફકત પોસ્ટપેઈડ ગ્રાહકોને જ આપવામાં આવ્યો હતો પણ આ નવા આદેશમાં પ્રીપેડ અને પોસ્ટપેઈડ બન્ને સામેલ છે. લોકોને સંચાર સેવાઓનો લાભ આપવા માટે જે કંપનીઓ સોફટવેર અને આઈટીમાં કામ કરે છે તેમને ફિકસ્ડ લાઈન ઈન્ટરનેટ સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. મોબાઈલ સિમ પર ઈન્ટરનેટનો લાભ લેવા માટે કંપનીઓએ વેરીફીકેશન કરાવવું પડશે.

વ્હાઈટ વેબસાઈટોની યાદીમાં બેકીંગ, શિક્ષણ, મનોરંજન, પર્યટન, સમાચાર, સુવિધાઓ, હવામાન વગેરે ક્ષેત્રોને સામેલ કરવામાં આવ્યા છે. આની માહિતી ટેલીકોમ કંપનીઓને આપવામાં આવી છે. સુપ્રિમ કોર્ટના હસ્તક્ષેપ પછી પ્રશાસનને તબક્કાવાર રીતે મોબાઈલ ઈન્ટરનેટ પર ૨-જી સેવાઓ ચાલુ કરી છે. મોબાઈલ કંપનીઓને ઉપભોકતાઓ દ્વારા સોશ્યલ મીડીયા સાઈટસનો ઉપયોગ ન કરે તે સુનિશ્ચિત કરવાનું કહેવાયુ છે. આદેશમાં કહેવાયુ છે કે પરિસ્થિતિની સમિક્ષા પછી તબક્કાવાર રીતે સંચાર સેવાઓ ચાલુ કરાઈ છે.

(12:02 pm IST)