Gujarati News

Gujarati News

News of Saturday, 25th January 2020

કાલે આન-બાન-શાન સાથે ત્રિરંગો લહેરાશે : રાજ્યપાલના હસ્તે ધ્વજવંદન

આખુ રાજકોટ ૭૧માં પ્રજાસત્તાક પર્વના રંગે રંગાયું: સવારે ૮થી કાર્યક્રમ : ૧૧માંથી હયાત એક સ્વાતંત્રય સેનાનીનું સન્માન : એક ડઝન પ્લાટુન દ્વારા પરેડ : મુખ્યમંત્રી-મેયર-મુખ્ય સચિવ-ડીજી-જીએડીના અધિકારીઓ-કલેકટર-સીપી-ડીએસપી-ડીસીપીને મંચ ઉપર સ્થાન...

રાજકોટ, તા.રપ : આખુ રાજકોટ-પ્રજા અને અબાલ વૃદ્ધ સૌ કોઇ પ્રજાસત્તાક પર્વના રંગે રંગાયું છે. પ્રજાસત્તાક પર્વની રાજયકક્ષાની ઉજવણી રાજકોટમાં હોય.. જબરા કાર્યક્રમો યોજાઇ રહ્યા છે.

કાલે રેસકોર્સ મેદાન ખાતે સવારે ૮ વાગ્યે અદ્ભૂત સંગીત સૂરાવલીઓ-રાષ્ટ્રગાન સાથે ભારતનો ત્રિરંગો ૭૧મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી સંદર્ભે આન-બાન-શાનથી લહેરાશે. ગુજરાતના રાજયપાલ આચાર્ય શ્રી દેવવ્રતજીના હસ્તે શાનદાર ધ્વજવંદન થશે અને તેઓ તથા મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી અને અન્યો પરેડની સલામી ઝીલશે.

કાલે રેસકોર્સ મેદાન ઉપર સવારે ૮થી બપોરે ૧૧-૧પ કલાક એટલે કે સવા ત્રણ કલાકનો ધમાકેદાર કાર્યક્રમ યોજાયો છે. ત્રણ દિવસથી રીહર્સલ ચાલતું હતું. અંદાજે ૩૦ હજારથી વધુ લોકો ઉમટી પડશે.

કાલે ધ્વજવંદન બાદ ૪૦ મીનીટ સુધી એક ડઝન પ્લાટુન દ્વારા પરેડ માર્ચ પાસ્ટ થશે. જેમા પોલીસ-એનસીએલ કમાન્ડો-હોમગાર્ડસ-અશ્વસવારો વિગેરેનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત રપ સરકારી જાંખી કરાવતા ટેબ્લોની પણ પરેડનો સમાવેશ થાય છે.

ત્યાર બાદ સવા કલાકનો સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે. જેમાં ૧ર૦૦ બાળકોના સૂર્યનમસ્કાર, રર૦૦ બાળકોનો મીલે સૂર મેરા તુમ્હારાએ થીમ ઉપર ભારતનો નકશો બનાવાશે અને તેમાં જે રાજયોનું સંગીત-રાષ્ટ્રગીત તેની ભાષામાં વાગશે તે પ્રકારના કોસ્યુમ બાળકોએ પહેર્યા હશે.

આ ઉપરાંત ગુજરાતના સર્વાગી વિકાસ ઉપર એક મહત્વની થીમ રજૂ થશે. પોલીસ તંત્ર દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે.

ત્યારબાદ જીમાસ્ટીક-મલખમ, પોલીસ જવાનોના મોટર સાયકલ સ્ટંટ શો, ચેતન કમાન્ડો ઓપરેશન ડેમો ડોગ -શો-અશ્વશો યોજાશે.

ત્યારબાદ પરેડમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર ત્રણ પ્લાટુનને અને શ્રેષ્ઠ ટેબ્લો રજૂ કરનાર ત્રણ ટેબ્લોને પુરસ્કાર-ટ્રોફી વિતરણ થશે.

આ પછી પોલીસ બેન્ડ ઉપર રાષ્ટ્રગીત વાગશે અને હજારો લોકો-મહાનુભાવો ઉભા થઇ તે વધાવશે, સલામી આપશે.

આ પછી રાજયપાલ અને મુખ્યમંત્રી દ્વારા સ્વતાંત્ર્ય સેનાનીઓનું સન્માન થશે. રાજકોટના કુલ ૧૧માંથી એક માત્ર સ્વાતંત્ર્ય સેનાની હયાત હોય તેમનું શાલ ઓઢાડી-સુતર આંટી પહેરાવી સન્માન કરાશે.

* કુલ સવા ત્રણ કલાકનો કાર્યક્રમ

* ૧ર૦૦ બાળકો એકી સાથે સૂર્ય નમસ્કાર કરશે

* રર૦૦ બાળકો મીલે સૂર તુમ્હારા થીમ ઉપર ભારતનો નકશો બનાવશે : જેવું રાજય તેવું કોસ્ચ્યુમ

* રપ ટેબ્લોની પણ માર્ચ પાસ્ટ

* ગુજરાત થીમ ઉપર ખાસ સાંસ્કૃતિક કાર્યક્રમ

* ચેતક કમાન્ડોનું ખાસ ઓપરેશન ડેમો

* ડોગ-શો -અશ્વશો તથા જીમ્નાસ્ટીક-મલખમ યોજાશે

(11:21 am IST)