Gujarati News

Gujarati News

News of Friday, 24th January 2020

બેંગ્લોરની સરકારી હોસ્પિટલમાં જન્મ્યું ૫.૯ કિલોનું બાળક

અત્યાર સુધી હોસ્પિટલમાં જન્મેલા તમામ બાળકોમાંથી સૌથી વધુ વજન ધરાવતું બાળક છે

બેંગલુરુ, તા.૨૪: સરકારી વાણીવિલાસ હોસ્પિટલમાં તાજેતરમાં ૫.૯ કિલો વજન ધરાવતા એક બાળકનો જન્મ થયો છે. આ બાળકે લોકોમાં કૌતુક સજર્યું છે અને તેને જોવા માટે લોકોની ભીડ જમા થઈ રહી છે. આ બાળકનો જન્મ ૧૮ જાન્યુઆરીએ સવારે થયો હતો. રેકોર્ડ મુજબ તે અત્યાર સુધી હોસ્પિટલમાં જન્મેલા તમામ બાળકોમાંથી સૌથી વધુ વજન ધરાવતું બાળક છે. સિઝેરિયન ઓપરેશનથી આ બાળકનો જન્મ કરાવાયો હતો અને તેને જન્મજાત કોઈ ખોડખાંપણ હોવાનું જાણવા મળ્યું નથી.

બાળકના માતા-પિતા યોગેશ અને સરસ્વતી મૂળ દાર્જિલિંગના રહેવાસી છે. તેઓ છેલ્લા ૧૬ વર્ષથી બેંગલુરુમાં રહે છે. આ કપલને બીજું પણ એક બાળક છે. માતા ૧૭ જાન્યુઆરીએ હોસ્પિટલ પહોંચી હતી. ડોકટરોને થયું કે આ હાઈ રિસ્ક ડિલિવરી કેસ છે. આથી તેમણે સર્જરી કરી બાળકનો જન્મ કરાવ્યો હતો.

પહેલા ડોકટરોને મહિલાનું ફૂલેલુ પેટ જોઈને લાગ્યું કે કદાચ તેના ગર્ભમાં જોડિયા બાળકો છે. મહિલાનું વજન ત્યારે ૮૦ કિલો હતું. જયારે બાળકનો જન્મ થયો ત્યારે ડોકટરોની પણ આંખો પહોળી થઈ ગઈ હતી. વજનકાંટા પર બાળકનું વજન ૫.૯ કિલો હોવાનું દર્શાવાતું હતું. આ બાળક ૫૬ સે.મી લાંબુ છે. માતાએ પ્રેગનેન્સીના ૪૦ અઠવાડિયા પૂરા કર્યા હતા અને પહેલા બાળકના આગમન પછી ૧૪જ્રાક્ન વર્ષે બીજા બાળકને જન્મ આપ્યો હતો.

રેકોર્ડ્સ અનુસાર વાણીવિલાસ હોસ્પિટલમાં આટલું વજનદાર બાળક અગાઉ કયારે પણ નથી જન્મ્યું. હોસ્પિટલના મેડિકલ સુપ્રીન્ટેન્ડન્ટ ડો. ગીતા શિવમૂર્તિએ જણાવ્યું,'અમે અત્યાર સુધી નવજાતનું સૌથી વધુ વજન ૪.૨ કિલો હોવાનું જોયું છે. બાળક અને માતા સ્વસ્થ છે. અમારે બાળકના હોર્મોનલ અસેસમેન્ટ ટેસ્ટ કરવાના બાકી છે.'

એવી માન્યતા છે કે સામાન્ય રીતે ગર્ભાવસ્થા દરમિયાન માતાને ડાયાબિટીસ આવે તો બાળકનું વજન વધવાની શકયતા રહે છે. પરંતુ આ કેસમાં તો માતાને પ્રેગનેન્સીમાં ડાયાબિટીસની કોઈ સમસ્યા નહતી. જો કે બાળકનું છેલ્લા બે દિવસમાં ૧૦૦ ગ્રામ વજન ઓછુ થઈ ગયુ છે જે બધા નવજાત બાળકો માટે સામાન્ય વાત છે. ડોકટરો પણ આટલું વધારે વજન ધરાવતા બાળકને જોઈને દંગ રહી ગયા છે.

(4:32 pm IST)