Gujarati News

Gujarati News

News of Friday, 24th January 2020

આધાર-પાન નહીં હોય તો કપાશે ૨૦ ટકા પગાર

૧૬ જાન્યુઆરીથી નિયમ થઈ ગયો લાગુ

નવી દિલ્હી, તા. ૨૪ :. કેન્દ્રીય ડાયરેકટ ટેક્ષ બોર્ડ (સીબીડીટી) અનુસાર, જો તમે નોકરીદાતાને પોતાનો પરમેનન્ટ એકાઉન્ટ નંબર (પાન) અથવા આધાર નંબર નહીં આપો તો તમારા પગારમાંથી ૨૦ ટકા રકમ આવકવેરા તરીકે કાપી લેવામાં આવશે. આ નવો નિયમ એ બધા કર્મચારીઓને લાગુ થશે જેમનો પગાર કરયોગ્ય છે. આ નિયમ ૧૬ જાન્યુઆરીથી લાગુ થઈ ગયો છે. આનો ઉદ્દેશ સ્ત્રોત પર કર (ટીડીએસ)ની ચુકવણી અને આ શ્રેણીમાંથી થતી આવક પર નજર રાખવાનો છે. ૨૦૧૮-૧૯ દરમિયાન કુલ ડાયરેકટ ટેક્ષની આવકમાં આનો હિસ્સો ૩૭ ટકા હતો.

પગાર પરના ટીડીએસ બાબતે ૮૬ પાનાના પરિપત્રમાં સીબીડીટીએ આવકવેરા કાયદાની કલમ ૨૦૬ એએ હેઠળ કર્મચારીઓ માટે પાન અથવા ૧૨ આંકડાનો આધાર નંબરની માહિતી આપવાનું ફરજીયાત કરી દીધુ છે. આ પરિપત્રમાં કહેવાયુ છે, 'કાયદાની ૨૦૬ એએ હેઠળ જો કોઈ કર્મચારી કોઈ રકમ અથવા આવક પ્રાપ્ત કરે છે જેના પર કર કપાતો હોય તો તેના માટે પાન અથવા આધાર નંબર આપવા ફરજીયાત છે. જો કોઈ કર્મચારી પાન/આધારની માહિતી દેવામાં નિષ્ફળ જાય તો તેણે કરના ઉંચા દર ચુકવવા પડશે. આવક વેરાની જોગવાઈમાં આ દર ૨૦ ટકા રખાયો છે.'

નોકરી દાતાએ ત્રણેય પરિસ્થિતિઓમાં કરની રકમ નક્કી કરવી પડશે અને ટીડીએસના ઉંચા દરો લાગુ કરવા પડશે. જો કે જો કોઈ કર્મચારીની આવક કર લીમીટથી ઓછી હોય તો તેના પર કોઈ કર નહીં કપાય. જે કર્મચારીઓની આવક કર યોગ્ય લીમીટથી વધારે હોય તો નોકરીદાતા લાગુ પડતા દરના આધારે સરેરાશ આવક વેરાની ગણત્રી કરશે. ત્રણ અલગ અલગ પરિસ્થિતિઓમાં કરની ગણત્રીની સ્પષ્ટતા કરતા પરિપત્રમાં કહેવાયુ છે કે જો ગણત્રી દ્વારા કાઢવામાં આવેલ દર ૨૦ ટકાથી ઓછો હોય તો કર કપાત ૨૦ ટકાના દરે કરાશે, પણ જો સરેરાશ ૨૦ ટકાથી વધારે થાય તો કર તે દરથી કપાશે. જો ઉંચા દરે કર કપાત કરવામાં આવે તો કર્મચારીએ ૪ ટકાના દરે આરોગ્ય અને શિક્ષણ ઉપકર નહી આપવો પડે. સીબીડીટીનું કહેવું છે કે કર રિટર્ન ભરતી વખતે હવે ટીડીએસ સર્ટીફીકેટ આપવાની જરૂરીયાત બંધ કરી દેવાય છે, એટલે પાન અથવા આધાર વગર કર કપાતમાં ક્રેડીટ આપવામાં મુશ્કેલીઓ પડે છે એટલે નોકરીદાતાઓને સલાહ અપાઈ છે કે તેઓ ફોર્મ ૨૪ કયુમાં એવા બધા કર્મચારીઓના સાચા પાન / આધારની માહિતી આપે જેમનો ટીડીએસ કાપવામાં આવ્યો હોય.

(10:21 am IST)