Gujarati News

Gujarati News

News of Wednesday, 24th November 2021

કોરોનાના ૯૨૮૩ નવા કેસ, ૪૩૭નાં મોત

દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ ૩,૪૫,૩૫,૭૬૩ લાખ લોકો સંક્રમિત થઈ ચૂકયા છે

નવી દિલ્હી, તા.૨૪: દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાઇરસના ૯૨૮૩ નવા કેસ સામે આવ્યા છે, જે ગઈ કાલની તુલનાએ ૨૨.૫ ટકા વધુ છે. દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૪૩૭ લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ ૩,૪૫,૩૫,૭૬૩ લાખ લોકો સંક્રમિત થઈ ચૂકયા છે અને અત્યાર સુધી ૪,૬૬,૫૮૪ લોકોનાં મોત થયાં છે. દૈનિક પોઝિટિવિટી રેટ ૦.૮૦ ટકા છે, જે છેલ્લા ૫૧ દિવસોથી બે ટકાથી નીચે છે.

દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને ૩,૩૯,૫૭,૬૯૮ લોકો માત આપી ચૂકયા છે. પાછલા ૨૪ કલાકમાં ૧૦,૯૪૯ લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા ૧,૧૧,૪૮૧એ પહોંચી છે, જે છેલ્લા ૫૩૬ દિવસોમાં સૌથી ઓછા છે. રિકવરી રેટ વધીને ૯૮.૩૩ ટકાએ પહોંચ્યો છે, જે માર્ચ, ૨૦૨૦ પછી સૌથી વધુ છે. મૃત્યુદર ઘટીને ૧.૩૫ ટકા થયો છે.

AIIMSના દિલ્હીના ડિરેકટર ડો. રણદીપ ગુલેરિયાએ કહ્યું હતું કે દેશમાં કોરોના રોગચાળાની બે લહેરોની તુલનાએ ત્રીજી લહેર એટલી તીવ્રતાવાળી આવવાની સંભાવના નથી. હાલના સમયમાં સંક્રમણના કેસો વધારો નથી થતો, એ દર્શાવે છે કે રસી હવે વાઇરસથી સુરક્ષા આપી રહી છે. જેથી હાલ ત્રીજા બુસ્ટર ડોઝની જરૂર નથી. સમયની સાથે રોગચાળો સામાન્ય બીમારીનું રૂપ લેશે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે ૧૧,૫૭,૬૯૭ લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી ૬૨.૫૭ કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે.

દેશમાં અત્યાર સુધીમાં ૧,૧૮,૪૪,૨૩,૫૭૩ લાખ લોકોને કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે ૭૬,૫૮,૨૦૩ લોકોને રસી આપવામાં આવી હતી.

(3:21 pm IST)