Gujarati News

Gujarati News

News of Wednesday, 24th November 2021

ઔરંગાબાદમાં ‘નો વેક્સિન, નો આલ્કોહોલ’નો અપાયો આદેશ

ઔરંગાબાદ જિલ્લા મેજિસ્ટ્રેટ સુનીલ ચૌહાણેઆપ્યો આદેશ ;દારૂના શોખીનોએ રસી લીધી નથી, હવેથી તેમને દારૂ નહીં મળે.

દેશભરમાં કોરોના સંક્રમણ ઓછુ થાય તે માટે વિવિધ અભિયાનો  હાથ ધરવામાં આવે છે. મહારાષ્ટ્ર ના ઔરંગાબાદમાં પણ સંક્રમણ ન થાય અને રસીકરણ ઝડપી બને તે માટે જિલ્લા મેજિસ્ટ્રેટે એક આદેશ આપ્યો છે. રસીકરણના અભિયાનને ઝડપી બનાવવા માટે ‘હટ કે’ માર્ગ પસંદ કર્યો છે. જે મુજબ રસી ન લેનાર વ્યક્તિને દારુ  નહીં મળી શકે. ઔરંગાબાદ જિલ્લામાં ‘નો વેક્સિન, નો આલ્કોહોલ’નો આદેશ આપવામાં આવ્યો છે.

ઔરંગાબાદ જિલ્લાના મેજિસ્ટ્રેટ દ્વારા દારૂની દુકાનો, વાઇન/બિયરની દુકાનો, દેશી દારૂની દુકાનો, FL3 ધારક દારૂના વેચાણની જગ્યાઓ પર કામ કરતા તમામ કર્મચારીઓનું રસીકરણ ફરજિયાત પણે પૂર્ણ કરવાના આદેશ અપાયા છે. આ કર્મચારીઓએ રસીના બંને ડોઝ લેવા જરુરી છે. આ સિવાય ગ્રાહકો માટે પણ કડક નિયમ બનાવાયા છે. મેજિસ્ટ્રેટના આદેશ મુજબ દારૂ ફક્ત એવા ગ્રાહકોને વેચી શકાય છે જેમણે રસીનો ઓછામાં ઓછો એક ડોઝ લીધો હોય

 

માત્ર દારુની દુકાનો જ નહીં હોટલ, રેસ્ટોરન્ટ, ખાણીપીણી, ઢાબા અને અન્ય ફૂડ સર્વિસ પ્રોવાઈડર્સના કર્મચારીઓ માટે પણ રસીકરણ પૂર્ણ કરવાની શરત લાદવામાં આવી છે. આદેશ મુજબ જેમણે રસી નથી લીધી પેટ્રોલ અને ડીઝલ પણ લઈ શકશે નહીં. જિલ્લા મેજિસ્ટ્રેટ સુનીલ ચવ્હાણે દાવો કર્યો છે કે આનાથી રસીકરણના અભિયાનને વેગ મળશે.

સૌથી ઝડપી રસીકરણના મામલે મહારાષ્ટ્ર દેશમાં બીજા નંબર પર છે. જ્યારે ઉત્તર પ્રદેશ પ્રથમ ક્રમે છે. ઉત્તર પ્રદેશમાં અત્યાર સુધીમાં લગભગ 15 કરોડ 9 લાખ લોકોને રસી આપવામાં આવી છે. જ્યારે મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં લગભગ 10.81 કરોડ લોકોને રસી આપવામાં આવી છે. રોજના સરેરાશ રસીકરણની દ્રષ્ટિએ મહારાષ્ટ્ર બીજા ક્રમે હોવાની માહિતી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘હર ઘર દસ્તક’ કાર્યક્રમ હેઠળ હવે રસીકરણ અભિયાનને વધુ તેજ બનાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

.

(2:20 pm IST)