Gujarati News

Gujarati News

News of Wednesday, 24th November 2021

ક્રિપ્ટોકરન્સી પર પ્રતિબંધની સરકારની તૈયારીને પગલે મોટાભાગની ક્રિપ્ટોકરન્સીમાં કડાકો !

બીટકોઈન 15 ટકા, Ethereum 12 ટકા, Tether લગભગ 6 ટકા અને USD કોઈનમાં 8 ટકાનો ઘટાડો

નવી દિલ્હી :ભારતમાં તમામ ખાનગી ક્રિપ્ટોકરન્સી પર પ્રતિબંધ મૂકી શકાય તેવી સંભાવના છે. સરકાર સંસદના શિયાળુ સત્રમાં આ અંગે બિલ લાવી રહી છે. આ સમાચાર આવતાની સાથે જ તમામ મુખ્ય ક્રિપ્ટોકરન્સી મંગળવારે ક્રેસ થઈ ગઈ હતી. ભારત સરકાર ક્રિપ્ટોકરન્સી પર કડક હાથે કાર્યવાહી કરવાની તૈયારી કરી રહી છે. મોટાભાગની ક્રિપ્ટોકરન્સીમાં 15 ટકાથી વધુનો ઘટાડો જોવા મળ્યો હતો.

બીટકોઈન લગભગ 15 ટકા, Ethereum 12 ટકા, Tether લગભગ 6 ટકા અને USD કોઈનમાં લગભગ 8 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. ભારતમાં, બિટકોઈનની કિંમત 15 ટકા ઘટીને 40,28,000, Ethereum 3,05,114, Tether 76 આસપાસ અને Cardanoની કિંમત 137ની આસપાસ રહી હતી. તમામ ક્રિપ્ટોકરન્સી પર પ્રતિબંધ મૂકવા માટે સરકાર સંસદના શિયાળુ સત્રમાં ધી ક્રિપ્ટોકરન્સી એન્ડ રેગ્યુલેશન ઑફ ઑફિશિયલ ડિજિટલ કરન્સી બિલ-2021 લાવશે.

ક્રિપ્ટોકરન્સી ટેક્નોલોજીના ઉપયોગમાં રાહત આપવા માટે સરકાર આ બિલમાં ભારતીય રિઝર્વ બેંક (RBI) વતી સરકારી ડિજિટલ કરન્સી ચલાવવા માટેના માળખા માટે જોગવાઈ કરશે. સરકાર દ્વારા લોકસભાના બુલેટિનમાં આ બિલની માહિતી આપવામાં આવી છે. નોંધનીય છે કે નાણા પરની સંસદીય સમિતિમાં ક્રિપ્ટોકરન્સી વિશે ચર્ચા થઈ હતી, જેમાં પ્રતિબંધને બદલે નિયમનનું સૂચન કરવામાં આવ્યું હતું.

નોંધપાત્ર છે કે, દેશમાં મોટી સંખ્યામાં લોકો ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરી રહ્યા છે. આ કરન્સીમાં ઘણી વધઘટ થાય છે. તેઓ ક્યાંથી શરૂ કરી રહ્યા છે અને ક્યાંથી કામ કરી રહ્યા છે તેની તેમને કોઈ જાણ નથી. આ સ્થિતિમાં સરકારે તેના વિશે નિર્ણય લેવાનું વિચાર્યું છે, જે એક સારું પગલું માનવામાં આવે છે.

(12:43 pm IST)