Gujarati News

Gujarati News

News of Wednesday, 24th November 2021

જૂના વાહનો સ્ક્રેપ કર્યા પછી નવાની ખરીદી પર વધુ કર-રાહત આપવા વિચારણા

નવી દિલ્હી,તા. ૨૪:કેન્દ્રના પ્રધાન નીતિન ગડકરીએ મંગળવારે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર જૂના વાહનો સ્ક્રેપ કર્યા પછી નવા વાહનોની ખરીદી પર વધુ કર-રાહત આપવા વિચારણા કરી રહી છે.

તેમણે જૂના વાહનોની સરકાર દ્વારા માન્ય સૌપ્રથમ સ્ક્રેપિંગ ફેસિલિટીનું ઉદ્ઘાટન કરતા જણાવ્યું હતું કે જૂના વાહનોને સ્ક્રેપ કરવાની સરકારની નવી નીતિથી હવાનું પ્રદૂષણ ઘટશે.

તેમણે જણાવ્યું હતું કે સરકારની સ્ક્રેપેજ પોલિસીને લીધે સરકાર અને રાજયોની જીએસટીની આવક વધશે. હું નાણાં મંત્રાલયની સાથે મળીને આ નીતિ હેઠળ કરવેરામાં વધુ રાહત આપવા ચર્ચાવિચારણા કરીશ.

નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે નાણાં મંત્રાલય અને જીએસટી કાઉન્સિલ નવા વાહનો પરના કરવેરામાં વધુ રાહત આપવાનો અંતિમ નિર્ણય લેશે.

જૂના વાહનો સ્ક્રેપ કર્યા પછી નવા વાહનોની ખરીદી પર કરવેરામાં અંદાજે પચીસ ટકા રાહત આપવાની કેન્દ્રે અગાઉ જાહેરાત કરી હતી.

નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે જૂના વાહનો નવા વાહનોની સરખામણીમાં હવાનું વધુ પ્રદૂષણ ફેલાવે છે. વાહન ક્ષેત્રના વાર્ષિક ટર્નઓવરને આગામી પાંચ વર્ષમાં રૂપિયા ૧૫ લાખ કરોડ કરવાનો લક્ષ્યાંક છે.

(9:40 am IST)