Gujarati News

Gujarati News

News of Saturday, 24th November 2018

મધ્યપ્રદેશની ચુંટણી સભામાં રાહુલ ગાંધીનો PM પર વાર - કહ્યું નરેન્દ્ર મોદીજીને બોલવાનું ભાન નથી : ભાજપની રાજ્ય સરકારો પર ચાબખા મારતા જણાવ્યું કે ભાજપના મુખ્યમંત્રીઓ કોઈ ને કોઈ ચોરી કરે જ છે

મધ્યપ્રદેશ : મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણી પ્રચાર માટે સાગર વિસ્તારમાં રેલી સંબોધતા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ નરેન્દ્ર મોદી પર કટાક્ષ કર્યો. રાહુલ ગાંધીએ કહ્યું કે, શિવરાજજી અને મોદીજીની વચ્ચે એક ફરક છે. શિવરાજજી સમજી વિચારીને બોલે છે પરંતુ દુ:ખની વાત એ છે કે નરેન્દ્ર મોદીજીને બોલવાનું ભાન નથી.

રાહુલ ગાંધીએ કહ્યું કે, વડાપ્રધાન મોદીના દિલમાં ગભરામણ છે અને તે જ ગભરામણ નફરતમાં ફેરવાઈ રહી છે. મેં ભૂલથી પનામા પેપરમાં શિવરાજ ચૌહાણજીના દીકરાનું નામ લીધું તો તાત્કાલિક માનહાનિનો કેસ દાખલ કરી દીધો. પરંતુ જ્યારે વ્યાપમ, ડંપર કાર્ડ, ઇ-ટેન્ડરિંગમાં તેમનું નામ લીધું તો માનહાનિનો કેસ કેમ ન નોંધાવ્યો?

સાગર ખાતે આયોજિત ચૂંટણી રેલીમાં રાહુલે ભાજપ પર પ્રહાર કરતાં કહ્યું કે, દરેક પ્રદેશમાં ભાજપના મુખ્યમંત્રી કોઈ ને કોઈ ચોરી કરે છે, રાજસ્થાનના મુખ્યમંત્રીના દીકરાએ લલિત મોદી પાસેથી પૈસા લીધા, છત્તીસગઢના મુખ્યમંત્રીના દીકરાનું નામ પનામા પેપરમાં આવ્યું. અહીં શિવરાજ ચૌહાણે છે, જ્યાં વ્યાપમ, ડંપર કાંડ, ઇ-ટેન્ડરિંગ જેવા ગોટાળા થઈ રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન મોદીએ શનિવારે મધ્યપ્રદેશના છતરપુરમાં ચૂંટણી રેલી સંબોધિત કરી. આ દરમિયાન તેઓએ કોંગ્રેસ પર કટાક્ષ કરતા કહ્યું કે મધ્યપ્રદેશ ચૂંટણી અંતિમ ચરણમાં આવતા જ ભાજપમાં ઉત્સાહ વધતો જઈ રહ્યો છે અને કોંગ્રેસ કેમ્પમાં કોની જમાનત બચશે તે અંગે ચિંતા કરવામાં આવી રહી છે.

(5:55 pm IST)