Gujarati News

Gujarati News

News of Saturday, 24th October 2020

હાથરસમાં ફરી શરમજનક ઘટના

સગીર છોકરાઓએ ૪ વર્ષની બાળકી પર કર્યું દુષ્કર્મ બન્ને આરોપીની ધરપકડ

હાથરસ તા. ર૪: હાથરસમાં દલિત યુવતી સાથે ગેંગરેપની ઘટના હજુ શાંત નથી થઇ ત્યાં વધુ એક બળાત્કારની ઘટના સામે આવી છે. આ રેપમાં સામેલ આરોપીઓ સગીર છોકરાઓ છે અને પીડિત ૪ વર્ષની બાળકી છે. પોલીસે બે આરોપી છોકરાઓને કસ્ટડીમાં લઇ લીધા છે.

સમાચાર એજન્સી પીટીઆઇ અનુસાર, પોલિસે શુક્રવારે કહ્યું કે હાથરસમાં ચાર વર્ષની એક બાળકી પર ૯ અને ૧ર વર્ષના બે છોકરાઓએ બળાત્કાર કર્યો છે અને બન્નેને પોલિસ કસ્ટડીમાં લઇ લેવાયા છે.

તેમણે જણાવ્યું કે પીડિત બાળકીના પિતાએ ઘટનાની જાણ ગુરૂવારે કરી હતી, તે પછી સ્થાનિક હાથરસ જંકશન પોલિસ સ્ટેશનમાં બળાત્કારની એફઆઇઆર નોંધવામાં આવી છે. પોલિસ પ્રવકતાએ કહ્યું કે બન્ને આરોપી છોકરાઓ જે એક જ ગામના છે તેમને કસ્ટડીમાં લઇ લેવાયા છે અને કાયદાની સબંધિત જોગવાઇઓ હેઠળ કેસ નોંધવામાં આવ્યો  છે. બાળકીને મેડીકલ પરિક્ષણ માટે મોકલી અપાઇ છે અને આગળની કાર્યવાહી ચાલી રહી છે.

હાથરસમાં ગયા મહિને ૧૯ વર્ષની દલિત યુવતિ પર ગેંગા રેપ પછી થયેલ મોતની ઘટના સતત ચકચારમાં છે. આ દલિત યુવતિ સાથે એક જ ગામના ચાર લોકોએ કથિત રીતે તેના પર ગેંગરેપ કર્યો હતો અને આ ઘટનાના એક પખવાડીયા પછી યુવતિનું મોત થયું હતું. યુવતીના મોત પછી જોરદાર વિરોધ પ્રદર્શનો થયા. રાજયની યોગી સરકારે કેસની તપાસ સીબીઆઇને સોંપી છે. સીબીઆઇ તરફથી તપાસની કાર્યવાહી ચાલુ છે. કોંગ્રેસી નેતા રાહુલ અને પ્રિયંકા ગાંધી પીડિત પરિવારને મળવા હાથરસ પણ ગયા હતા.

(11:31 am IST)