Gujarati News

Gujarati News

News of Saturday, 24th October 2020

નવા સંસદ ભવનનું નિર્માણ ડિસેમ્બરથી શરૂ થશે : ઓકટોબર ૨૦૨૨માં પુરૂ થશે

હાલના સંસદભવનની આધારશિલા ૧૯૨૧માં રખાઇ હતી : ૬ વર્ષે બન્યું હતું.

નવી દિલ્હી,તા. ૨૪: દેશના નવા સંસદ ભવનનું નિર્માણ કાર્ય આ વર્ષે ડિસેમ્બરમાં શરૂ થઈ જશે અને ઓકટોબર ૨૦૨૨ સુધીમાં તે બનીને તૈયાર થઈ જશે. લોકસભા સચિવાલયમાં આ પ્રકારની જાણકારી શુક્રવારના રોજ આપવામાં આવી હતી. જયાં સુધી નવા સંસદભવનનું કામ ચાલે છે, ત્યાં સુધી હાલના સંસદભવનમાં જ તમામ કામકાજ ચાલુ રહેશે.

નવા સંસદભવનનો શિલાન્યાસ સમારંભ ડિસેમ્બરમાં થવાની સંભાવના છે. જેમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને વડાપ્રધાન મોદી ઉપરાંત દેશના અન્ય પીઠાસીન પદાધિકારી તથા અન્ય નેતાગણ તથા ગણમાન્ય વ્યકિતઓ સામેલ થશે.

લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા દ્વારા મળેલી એક સમીક્ષા બેઠક બાદ સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ નવા સંસદ ભવનમાં લોકસભા ગૃહમાં ૮૮૮ સભ્યો, જયારે રાજયસભામાં ૩૮૪ સભ્યોના બેસવાની વ્યવસ્થા હશે. બંને સદનમાં ભવિષ્યમાં સભ્યોની સંખ્યા વધવાની સંભાવનાને ધ્યાને રાખીને આ વ્યવસ્થા કરવામાં આવી છે. હાલમાં સંસદમાં નીચલા ગૃહમાં ૫૪૩, જયારે ઉપલા ગૃહમાં ૨૪૫ સભ્યો માટે બેસવાની વ્યવસ્થા છે.

અધિકારીઓએ જણાવ્યુ હતું કે, નવા સંસદ ભવનમાં નિર્માણ કાર્ય દરમિયાન વાયુ અને ધ્વનિ પ્રદૂષણનું પણ ધ્યાન રાખવામાં આવશે. નવા સંસદ ભવનમાં દરેક સાંસદો માટે અલગ અલગ કાર્યાલય હશે. તથા તેમાં નવીનતમ ટેકનોલોજીથી ભરપૂર હશે. અહીં તમામ કામ પેપરલેસ બને તે રીતે ધ્યાન રાખવામાં આવશે.

નવા સંસદભવનમાં એક સંવિધાન કક્ષા, જેમાં ભારતની લોકતાંત્રિક ધરોહરને પ્રદર્શિત કરશે. આ ઉપરાંત સંસદ સભ્યો માટે લાઉંજ, એક પુસ્કાલય, કેટલીય સમિતિઓ માટે અલગ રૂમ, ખાવા પીવાની જગ્યા, વાહન પાર્કિંગની જગ્યા પણ હશે.

હાલનું સંસદભવન બ્રિટિશ કાળનું છે, જેની ડિઝાઈન એડવિન લુટિયંસ અને હરબર્ટ બેકરે તૈયાર કર્યુ હતું. આ બંનેએ જ નવી દિલ્હીનું નિર્માણ કર્યુ હતું. હાલનું જે સંસદ ભવન છે, તેની આધારશિલા ૧૨ ફેબ્રુઆરી ૧૯૨૧દ્ગક્ન રોજ રાખવામાં આવી હતી. જેના નિર્માણમાં ૬ વર્ષ લાગ્યા હતા. તથા તે સમયે તેને બનાવવાનો ખર્ચ ૮૩ લાખ રૂપિયા થયો હતો. ઉદ્ઘાટનનું સમારંભ ૧૮ જાન્યુઆરી, ૧૯૨૭ના રોજ તત્કાલિન ગવર્નર જનરલ લોર્ડ ઈરવિનના હાથે થયુ હતું.

(3:14 pm IST)