Gujarati News

Gujarati News

News of Thursday, 24th October 2019

નવાઝ શરીફના પ્લેટલેટ કાઉન્ટ માત્ર ૭ હજાર

પુત્રી મરીયમને પણ મળવા જવા ન દીધીઃ અતી ગંભીર સ્થિતિઃ અનેક બિમારીઓથી ઘેરાઇ ગયાઃ ૭ વર્ષની સજા કાપી રહયા છે : અમારા નેતા નવાઝને કાંઇ થયુ તો ઇમરાને તેની મોટી કિંમત ચુકવવી પડશેઃ પક્ષના નેતા આરીફ ખાનની ચીમકી

લાહોરઃ પાકિસ્તનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફની હાલત ગંભીર બની છે. ગઇકાલે તબીયતમાં સુધારનો દાવો કર્યો હતો. જો કે આજ સવારના સમાચાર મુજબ તેમની તબીયત ઝડપથી બગડી રહી છે. નવાઝની પુત્રી મરીયમ પિતાને મળવા માંગતી હતી. પણ અધિકારીઓએ તેને પરવાનગી આપી ન હતી. બીજી તરફ વડાપ્રધાન ઇમરાન ખાને જણાવેલ કે નવાઝને સારી ટ્રીટમેન્ટ અપાઇ રહી છે. તેમને ઘણી બીમારીઓ છે અને તેઓ ચૌધરી સુગર મીલ કેસમાં ભ્રષ્ટાચાર મામલે દોષીત છે અને ૭ વર્ષની  સજા થઇ છે.

એક અખબારના જણાવ્યા મુજબ આજે ગુરૂવારે નવાઝ શરીફના પ્લેટલેટ કાઉન્ટ ૭ હજારના ખતરનાક સ્તરે પહોંચ્યા છે. તેમને લાહોરની હોસ્પિટલમાં રખાયા છે. રિપોર્ટમાં ડોકટરના હવાલાથી જણાવાયું છે કે નવાઝને ઘણી બીમારીઓ છે અને તેમને ઇસ્લામાબાદ અથવા દેશની બહાર કોઇ સારી હોસ્પિટલમાં સારવારની જરૂર છે આ અંગે ઇમરાન ખાને વધુ વાત કરી ન હતી. ફકત એટલુ જ જણાવેલ કે નવાઝને હર સંભવ ઇલાજ અપાય રહયો છે.

નવાઝ શરીફની પુત્રી મરીયમ પણ કોટ લખપત જેલમાં છે. ગઇકાલે તેમને તારીખ માટે કોર્ટમાં રજુ કરાયેલ. મરીયમે અધિકારીઓને વિનંતી કરેલ કે તે પિતાને જોવા માંગે છે. અધિકારીઓએ કોર્ટનો હવાલો આપી  તેમને પિતા નવાઝને મળવા માટેના પાડી અને પરત જેલમાં મોકલી આપેલ. મરીયમે જણાવેલ કે હું એકવાર પિતાને જોવા માંગુ છું પણ એની પણ મંજુરી નથી અપાતી.

નવાઝ શરીફની પાર્ટી પીએમએલ (એન)ના નેતા આરીફ ખાને આજે જણાવેલ કે અમારા નેતાની હાલત ગંભીર છે અને તેમને સરકારે ષડયંત્ર હેઠળ જેલમાં રાખ્યા છે. નવાઝને જો કાંઇ થશે તો વડાપ્રધાન ઇમરાને તેની મોટી કિંમત ચુકવવી પડશે. અમે ઇમરાનના બ્લેકમેલીંગથી નહિ જુકીએ.

(3:52 pm IST)