Gujarati News

Gujarati News

News of Thursday, 24th October 2019

મંદિરો તોડીને દિલ્હીની કુવ્વત ઉલ ઇસ્લામ મસ્જિદ બનાવાઇ હતી : ડો. કે. કે. મુહમ્મદ

કુતુબુદીન એબકે ૨૭ હિંદુ-જૈન મંદિરો તોડીને અહીં મસ્જિદ નિર્માણ કર્યાનો પુરાતત્વીય દસ્તાવેજોમાં પણ ઉલ્લેખ : ચોથી શતાબ્દીમાં રાજા અનંગપાલ વિષ્ણુ પર્વત પરથી લઇ આવેલ વિષ્ણુ સ્તંભ આજે પણ આ મસ્જિદના પરિસરમાં મોજુદ : અયોધ્યા મામલે ચર્ચા દરમિયાન ડો. મુહમ્મદે એવુ પણ જણાવેલ કે જે તે સમયે જે કોઇએ ભુલ કરી હોય તે માટે આજના મુસ્લિમોને દોષિત ન માનવા જોઇએ

નવી દિલ્હી તા. ૨૪ : અયોધ્યા મુદ્દા પર ચાલી રહેલ ચર્ચા દરમિયાન એ.એસ.આઇ.ના પૂર્વ નિર્દેશક ડો. કે. કે. મુહમ્મદે એવું જણાવેલ કે અયોધ્યાના વિવાદિત ઢાંચાની હાલત દિલ્હીની કુવ્વત ઉલ મસ્જિદ જેવી છે.

દેશની રાજધાની દિલ્હીમાં આવેલ વિશ્વ વિખ્યાત કુતુબ મિનારના પરિસરમાં આવેલ કુવ્વત ઉલ ઇસ્લામ મસ્જિદના સ્તંભો ઉપર લાગેલ દેવી દેવતાઓની ખંડીત મુર્તિઓ અને મંદિર જેવુ તેનું નકશીકામ એ વાતનો પુરાવો આપે છે કે અહીં મંદિર તોડીને મસ્જિદ બનાવવામાં આવી છે.

ડો. મુહમ્મદે જણાવ્યુ કે એ કુતુબ મિનાર સ્થિત આ મસ્જિદ ૨૭ હિંદુ - જૈન મંદિરોને તોડીને બનાવવામાં આવી હછે. મસ્જિદના પાછળના ભાગે લગાવવામાં આવેલ મૂર્તિને લઇને અહીં એક સમયે વિવાદ પણ છેડાઇ ચુકયો છે. ત્યાર બાદ ભારતીય પુરાતત્વ સર્વેક્ષણે લોઢાની જાળીથી મુર્તિને ઢાંકી સુરક્ષિત બનાવી છે. એટલુ જ નહીં મસ્જિદની આસપાસના ક્ષતિગ્રસ્ત ભાગમાં પણ મુર્તિઓ બહાર નિકળેલી જોવા મળે છે.

વિશ્વની ધરોહર ગણાતા કુતુબ મીનાર પરિસરમાં આવેલ આસ્જિદ ભારતીય પુરાતત્વ સર્વેક્ષણનું સ્મારક છે. તેનો ઇતિહાસ ખુબ જુનો છે. ઇતિહાસકારોએ જણાવ્યા મુજબ તેનું નિર્માણ દિલ્હી પર કબ્જો મેળવ્યા પછી ૧૧૯૨ માં કુતુબુદીન એબકે કર્યુ હતુ. જે કાર્ય ૧૧૯૮ માં પૂર્ણ થયેલ.

પુરાતત્વીક દસ્તાવેજોમાં સ્પષ્ટ લખેલુ છે કે કુતુબુદીન એબકે ૨૭ હિંદુ અને જૈન મંદિરોને તોડીને આ મસ્જિદનું નિર્માણ કરેલ હતુ. મંદિરોના નકશીદાર સ્તંભો અને અન્ય વાસ્તુકલા સંબંધીત ખંડોથી આનું નિર્માણ થયાનું ઇતિહાસકારો જણાવી રહ્યા છે. તેના સ્તંભો પર આજે પણ દેવી દેવતાઓની મુર્તિઓ જોઇ શકાય છે. આ મસ્જિદનો મોટો હિસ્સો ઢળી ચુકયો છે. પણ જે શેષ ભાગો બચેલ છે તે પર્યટકોનું ધ્યાન પોતાની તરફ ખેંચી રહ્યા છે. જેમાં મોટાભાગે મૂર્તિઓ ક્ષતિગ્રસ્ત થઇ ચુકી છે.

કહેવાય છે કે આ મુર્તિઓ એટલા માટે ક્ષતિગ્રસ્ત કરવામાં આવી છે જેથી લોકો ત્યાં પૂજા પાઠ શરૂ કરી ન દયે. દેવી દિવતાઓની આ મૂર્તિઓને લઇને કેટલાક વર્ષ પહેલા વિવાદ શરૂ થયો હતો. એ સમયે કેટલાય હિંદુ સંગઠનો પૂજા અર્ચના કરવા પહોંચી ગયા હતા. સૌથી મોટુ સંકટ મસ્જિદના પાછળના ભાગે લાગેલ મુર્તિને લઇને હતુ. આ પછી ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ વિભાગે આ મૂર્તિ ઉપર લોઢાની જાળી લગાવી દીધી.

પૂર્વ તરફના આ સ્તંભ ઉપર પ્લાસ્ટર કરવામાં આવેલ હતુ. જો એ તે પણ હાલ ઉખડી ગયુ છે. કુતુબ મીનારની બાજુમાં આવેલ ચાર દિવાલો પણ ક્ષતિગ્રસ્ત થઇ ચુકી છે. જેમાંથી પત્થરોની મુર્તિ નિકળી છે. જેને ત્યાં જ રાખવામાં આવી છે.

પુરાતત્વિક અભિલેખોમાં જણાવ્યા મુજબ ચારસોમી શતાબ્દીમાં રાજા અનંગપાલ અહીં વિષ્ણુ પર્વત પરથી જુદી જુદી ધાતુના બનેલા વિષ્ણુસ્તંભ લઇને આવ્યા હતા. જે આજે પણ આ પરિસરમાં જોવા મળે છે. આ સ્તંભ પર ગુપ્તકાળની લીપીમાં સંસ્કૃતમાં એક લેખ પણ છે. જે ચતુર્થ શતાબ્દીમાં લખાયાનું મનાય છે.

એએસઆઇના પૂર્વ નિર્દેશક ડો. કે. કે. મુહમ્મદે અયોધ્યા મામલાની ચર્ચા દરમિયાન આ મસ્જિદની ચર્ચા કરી હતી. તેમની કહેવાનું એ હતુ કે અયોધ્યાના વિવાદીત ઢાંચાની હાલત પણ આ દિલ્હીની કુવ્વત ઉલ મસ્જિદ જેવી જ છે.

વિશ્વ હિન્દુ પરિષદના રાષ્ટ્રીય પ્રવકતા ડો. વિનોદ બંસલે એવો દાવો કરેલ કે આ પહેલુ એવુ સ્થળ નથી કે જયાં મદિર હોય દેશમાં હજારો એવા હિંદુ તીર્થસ્થાનો છે જેને તોડીને મુસ્લિમ માન્યતાઓમાં માનતાલોકોનું કેન્દ્ર બનાવી દેવાયુ હોય.

ડો. કે. કે. મુહમ્મદે એવું પણ જણાવેલ કે એ વાત સાચી છે કે કુતુબ મીનાર સ્થળે કુવ્વત ઉલ ઇસ્લામ મસ્જિદ ૨૭ હિંદુ જૈન મંદિરોને તોડીને બનાવવામાં આવી હોય. પણ એ બધી પહેલાના સમયની ભુલ હતી. તેના માટે આજના મુસ્લિમોને દોષિત ગણવા ન જોઇએ.

(1:01 pm IST)