Gujarati News

Gujarati News

News of Friday, 24th September 2021

આજે ૮:૩૦ કલાકે બે મહાસત્તાનું મિલન : મોદી-બાઇડન મુલાકાત : સમગ્ર વિશ્વની નજર

ત્રાસવાદ-અફઘાનિસ્‍તાન-કોરોના પડકારો-ભારત-અમેરિકી સંબંધો સહિતની બાબતો અંગે વન-ટુ-વન મીટીંગ

નવી દિલ્‍હી,તા. ૨૪: વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીની અમેરિકન રાષ્‍ટ્રપતિ જો બાઇડન સાથેની મુલાકાત વિશ્વના બે મોટા લોકશાહી દેશના નેતાઓના આપસી તાલમેલ ગોઠવવાના હિસાબે બહુ મહત્‍વપૂર્ણ બનશે. આ યાત્રા ઘણા પ્રકારે દિલચશ્‍ય બનવાની છે. ‘અબ કી બાર ટ્રમ્‍પ સરકાર'ના નારાઓ પછી જ્‍યારે બાઇડન સત્તા પર આવ્‍યા તો ઘણા સમીકરણો અવળા પડવાની આશંકા વ્‍યકત કરાઇ રહી હતી. પણ અમેરિકામાં સત્તા પરિવર્તન પછી વડાપ્રધાન મોદી અને રાષ્‍ટ્રપતિ બાઇડન વચ્‍ચે ત્રણ વાર વાત થઇ ચૂકી છે. જો કે આમને સામને તેઓ પહેલી વાર મળશે. પણ આ મુલાકાત પહેલા બન્‍ને પક્ષોએ ઘણુ હોમ વર્ક કર્યું છે. એવું મનાય રહ્યુ છે કે આપસી કેમીસ્‍ટ્રી બનાવવામાં હોશિયાર મોદી બાઇડન સાથે પણ અંગત સંબંધ કેળવી શકશે.
જાણકારોનું કહેવું છે કે અફઘાનિસ્‍તાનના તાજા ઘટના ક્રમને ધ્‍યાનમાં રાખતા વૈશ્વિક પરિસ્‍થિતી બહુ બદલાઇ છે. અમેરિકાને આ વિસ્‍તારમાં એક વિશ્વાસુ સાથીદાર તરીકે ભારતની જરૂર છે. તો ભારતને પણ આતંકવાદ અને કટ્ટરપંથીઓ સામેની લડાઇ અને તાલિબાનો પર દબાણ માટે અમેરિકાના સહયોગથી જરૂર છે.
કોરોના કાળના કારણે લાંબા સમય બાદ અમેરિકા પ્રવાસે ગયેલા વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદી આજે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેન સાથે મુલાકાત કરવાના છે. જેમાં પર સમગ્ર વિશ્વની નજર છે. જો બાઈડન અમેરિકી રાષ્ટ્ર પ્રમુખ બન્‍યા બાદ પ્રથમ વખત પીએમ મોદી તેમની સાથે મુલાકાત કરવાના છે. ભારતીય સમય અનુસાર રાત્રે સાડા આઠ વાગ્‍યે વ્‍હાઈટ હાઉસમાં મોદી-બાઈડેન વચ્‍ચે દ્વિપક્ષીય મુલાકાત થશે.
રાષ્ટ્રપતિ બન્‍યા બાદ બાઈડેન પહેલી વખત પીએમ મોદીની મિજબાની કરવાના છે. તો બીજી તરફ સાડા અગિયાર વાગ્‍યે ક્‍વાડ દેશોના પ્રમુખોની બેઠક છે. આ બેઠક પણ વ્‍હાઈટ હાઉસમાં જ આયોજિત થવાની છે. ક્‍વાડ દેશોમાં ભારત, ઓસ્‍ટ્રેલિયા, અમેરિકા અને જાપાન છે. ક્‍વાડ બેઠકમાં પાકિસ્‍તાન, ચીન અને તાલિબાન પર ગાળિયો કસાશે. વિશ્વના નકશા પર ચાર દેશો મળીને જે ચતુર્ભુજ બને છે તેને ‘ક્‍વાડ'કહેવાય છે. આ દેશો વચ્‍ચે જ હિંદ મહાસાગર અને પ્રશાંત મહાસાગરનો તે ભાગ છે જયાં ચીન અતિક્રમણ કરવા ઈચ્‍છે છે.

 

(11:04 am IST)