Gujarati News

Gujarati News

News of Monday, 24th September 2018

રાષ્ટ્રપતિ ભવનમાં હવે સરકારી ખર્ચે કોઇ કાર્યક્રમ નહિ

રાષ્ટ્રપતિ કોવિંદે શરૂ કરી નવી પરંપરાઃ અંગત રીતે ઇદ-દિવાળીની ઉજવણી રાષ્ટ્રપતિ ભવનમાં હવે સરકારી ખર્ચે કોઇ કાર્યક્રમ નહિઃ રાષ્ટ્રપતિની સાદગી ઉડીને આંખે વળગે તેવી

નવી દિલ્હી, તા.૨૪: રાષ્ટ્રપતિ રામનાથ કોવીદે કરોડો ભારતીયોની જેમ જ ગણેશોત્સવ ઉજવ્યો હતો. પરિવારની સાથે રોજ બે વાર પૂજા આરતી પણ કરી ખાસ વાત એ હતી કે રાષ્ટ્રપતિ ભવન આયોજીત આ કાર્યક્રમ તેમના રહેણાંકમાં અંગત રીતે કરાયો હતો. રાષ્ટ્રપતિએ ધાર્મિક અનુષ્ઠાન રાષ્ટ્રપતિ ભવનમાં અંગત રીતે ઉજવવાની પહેલ કરી છે. એટલા માટે તેમણે રાષ્ટ્રપતિ ભવનને સરકારી રીતે આવાં કાર્યક્રમોથી અલગ કરી દીધુ છે. તેમનું માનવું છે કે ધામિર્ક કાર્યક્રમોમાં સરકારી ખર્ચો કરવો યોગ્ય નથી.

આ વર્ષે રાષ્ટ્રપતિ દ્વારા ઇફતાર આયોજીત ન કરવા માટે ઘણી ચર્ચાઓ થઇ હતી પણ તે કોવિંદે બનાવેલા નિયમોને અનુરૂપ નિર્ણય હતો. જો કે ઇદના દિવસે તેઓ રાષ્ટ્રપતિ ભવન પરિસરમાં આવેલ મસ્જીદમાં ગયા હતા અને બધા કર્મચારીઓ અને તેમના પરિવારજનોને ઇદની મુબારકબાદી આપીને તેમને ભેટ પણ આપી હતી.

આજ રીતે દર વર્ષે ગુરૂ પર્વ પર પાઠ દરમ્યાન ચાર દિવસ માટે રાષ્ટ્રપતિ ભવનનો હોલ ખાલી કરાવવાની પ્રથા પણ તેમણે બંધ કરી હતી. આ વર્ષે પ્રકાશોત્સવ તો મનાવાયો પણ પરિસરમાં આવેલ ગુરૂદ્વારમાં કોવિંદ બધા તહેવાર મનાવે છે, પણ સરકારી ખજાનાનો એક પૈસો પણ આવા આયોજનો માટે નથી ખર્ચતા.

દેશના પહેલા રાષ્ટ્રપતિ રાજેન્દ્રપ્રસાદ દ્વારા રાષ્ટ્રપતિ ભવનમાં પૂજા અને હવન કરાવવા પર ત્યારના વડાપ્રધાન જવાહરલાલ નહેરૂને સખત વાંધો હતો. તેમણે ઘણીવાર પત્ર લખીને રાષ્ટ્રપતિ ભવનમાં ધાર્મિક ગતિવિધીઓ ન કરવા માટે અનુરોધ કર્યો હતો, પણ રાજેન્દ્ર પ્રસાદે તેમને ગણકાર્યા નહોતા.

આ પહેલા પણ કોવિંદે પરંપરા કરતા જુદુ શરૂ કર્યુ છે. તેઓ સવારનો નાસ્તો ઉચ્ચ ન્યાયાલયોના ન્યાયાધીશો સાથે કરે છે અને કેન્દ્રિય વિશ્વવિદ્યાલયોના કુલપતિઓ સાથે બેસીને તેમની સમસ્યાઓનું નિરાકરણ પણ લાવે છે. તેમણે ગણતંત્ર દિવસ પર આયોજીત સ્વાગત સમારોહમાં આમંત્રિતોની સંખ્યા ૨૦૦૦માંથી ઘટાડીને ૭૦૦ કરી નાખી છે.(૨૩.૨)

 

(11:31 am IST)