Gujarati News

Gujarati News

News of Saturday, 24th August 2019

મહારાષ્ટ્રમાં આગામી વિધાનસભાની ચૂંટણીમાં ફરીભાજપ- શિવસેનાની જ સરકાર આવશે: દેવેન્દ્ર ફડણવીસ

જનતાની અપેક્ષાઓ સરકાર જરૂર પુરી કરશેઃ ભાજપની મહાજનાદેશ યાત્રાને મળતો સારો પ્રતિસાદ

ધુળે: મહારાષ્ટ્રની જનતાને આ જ સરકાર પોતાની અપેક્ષાઓ પૂરી કરશે એવું લાગી રહ્યું છે આથી આગામી વિધાનસભાની ચૂંટણીમાં ફરીથી યુતિની સરકાર જ સત્તામાં આવશે, એમ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું. ભાજપની મહાજનાદેશ યાત્રાનો બીજો તબક્કો ગુરુવારથી શરૂ થયો હતો. ભાજપની મહાજનાદેશ યાત્રાને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. આને કારણે અમારી યાત્રા બાદ અનેક પક્ષમાં ઉત્સાહનો સંચાર થયો છે અને તેમણે પણ યાત્રા કાઢવાનું ચાલુ કર્યું છે. તેમને મારી શુભેચ્છા પાઠવું છું એમ જણાવતાં તેમણે સુપ્રીયા સુળેને ટોણો માર્યો હતો. કૉંગ્રેસની ભ્રષ્ટાચારની યાત્રા નીકળી હોવાથી તેમની યાત્રા નીકળવાની છે કે નહીં તેની માહિતી મારી પાસે નથી એમ પણ તેમણે કહ્યું હતું.

વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ દ્વારા મહાજનાદેશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ યાત્રા અત્યાર સુધીમાં ૪૩ વિધાનસભા ક્ષેત્રમાંથી પસાર થઈ ચૂકી છે. મુખ્ય પ્રધાનની યાત્રા ધુળે બાદ જળગાંવ તરફ રવાના થશે. મહાજનાદેશ યાત્રાનો ત્રીજો તબક્કો ૧૩-૧૯ સપ્ટેમ્બર દરમ્યાન આયોજિત કરવામાં આવશે, જેમાં કોંકણ અને પશ્ર્ચિમ મહારાષ્ટ્રને આવરી લેવામાં આવશે. મહાજનાદેશ યાત્રાનો સમારોપ સોલાપુરમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં કરવામાં આવશે, એવી માહિતી પક્ષ તરફથી આપવામાં આવી હતી.
અત્યારે દેશના પહેલાં ત્રણ રાજ્યોમાં મહારાષ્ટ્રનો સમાવેશ થાય છે અને આગામી સમયમાં દુકાળમુક્ત રાજ્ય બનાવવાનો નિર્ધાર વ્યક્ત કરતાં તેમણે કહ્યું હતું કે જલયુક્ત શિવારના માધ્યમથી ૨૪૦ કરોડના કામ કરવામાં આવ્યા છે. ખાનદેશના ખેડૂતોને ૧૦,૦૦૦ કરોડથી વધુની મદદ પહોંચાડવામાં આવી હોવાનો દાવો પણ તેમણે કર્યો હતો.

 

(10:02 am IST)