Gujarati News

Gujarati News

News of Saturday, 24th August 2019

જેટની ઓફિસો, નરેશ ગોયલના આવાસ પર ઇડીની તપાસ

સવારથી જ ઇડી દ્વારા સર્ચની કામગીરી કરાઈ : ૯૦૦ કરોડ રૂપિયાની સોદાબાજી મામલામાં ફેમાના ભંગ મુદ્દે દસ્તાવેજોમાં તપાસ : જેટ એરવેઝ પર સકંજો મજબૂત

નવી દિલ્હી, તા. ૨૩ : એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા આજે જેટ એરવેઝની ઓફિસ અને તેના સ્થાપક નરેશ ગોયલના દિલ્હી અને મુંબઈના આવાસ ઉપર વ્યાપક દરોડા પાડવામાં આવ્યા હતા. ઇડી દ્વારા સર્ચની પ્રક્રિયા શરૂઆતથી જ હાથ ધરવામાં આવી હતી. વહેલી સવારથી આ કાર્યવાહી શરૂ થઇ હતી. ઇડી દ્વારા જારી કરવામાં આવેલી યાદીમાં જણાવવામાં આવ્યું છે કે, જેટ એરવેઝ દ્વારા જુદા જુદા ધારાધોરણોનો ભંગ કરવામાં આવ્યો છે. ફોરેન એક્સચેંજ મેનેજમેન્ટ એક્ટ (ફેમા) હેઠળ જેટ એરવેઝ સામે તપાસના ભાગરુપે આ કાર્યવાહી કરવામાં આવી છે. જેટ એરવેઝ તપાસ હેઠળ છે. વ્યૂહાત્મક પાર્ટનર ઇતિહાદ એરવેઝ સાથે ૨૦૧૪માં ૯૦૦ કરોડ રૂપિયાની સમજૂતિ ઉપર હસ્તાક્ષર દરમિયાન ફોરેન એક્સચેંજ રેગ્યુલેશનના ભંગ બદલ જેટ એરવેઝ સામે તપાસ ચાલી રહી છે.

લોયલ્ટી પ્રોગ્રામ બિઝનેસ માટે જે સમજૂતિ થઇ હતી તે દરમિયાન ફેમાના ભંગના મામલામાં જેટ એરવેઝ સામે તપાસ ચાલી રહી છે. ૨૦૧૪માં ઇતિહાદ દ્વારા જેટના ફ્લાયર પ્રોગ્રામમાં ૫૦.૧ ટકાની હિસ્સેદારી ખરીદી લીધી હતી. ઇડી દ્વારા આજે કરવામાં આવેલી તપાસ દરમિયાન દસ્તાવેજોમાં ચકાસણી હાથ ધરવામાં આવી હતી. મળેલી માહિતી મુજબ ઇડીની જુદા જુદી ટીમો દ્વારા આજે સવારથી જ તપાસની પ્રક્રિયા હાથ ધરી હતી. ઇડી અને અન્ય તપાસ સંસ્થાઓ દ્વારા નરેશ ગોયલના મામલામાં પણ તપાસ કરવામાં આવી રહી છે. દિલ્હી અને મુંબઈ આવાસ ઉપર તેમની મુશ્કેલી તપાસ બાદ વધી ગઈ છે. ઇડીએ જેટ એરવેઝની ઓફિસમાં તપાસ દરમિયાન કોઇ માહિતી અથવા તો દસ્તાવેજો હાથ લાગ્યા છે કે કેમ તે અંગે હાલમાં વિગત આપવાનો ઇન્કાર કર્યો છે. નરેશ ગોયલના સંદર્ભમાં અથવા તો તેમની પુછપરછને લઇને કોઇ માહિતી જારી કરવામાં આવી નથી.

(12:00 am IST)