Gujarati News

Gujarati News

News of Saturday, 24th July 2021

સસરાની ગન સાથે સેલ્ફી લેવા જતાં વહુએ જીવ ગુમાવ્યો

સેલ્ફીનો ક્રેઝ જીવલેણ બને છે : ટ્રીગર દબાઈ જતાં બંદૂકમાંથી ગોળી છૂટી હતી, જે વહુના ગળાની આરપાર થઈ જતાં ત્યાં તેનું પ્રાણપંખેરું ઉડી ગયું

લખનઉ, તા.૨૪ : સેલ્ફી ક્યારેક જીવલેણ બની શકે છે. તેના અનેક કિસ્સા તમારા ધ્યાનમાં અત્યારસુધી આવી ચૂક્યા હશે, પરંતુ યુપીમાં બનેલી ઘટના ખરેખર ચોંકાવનારી છે. જેમાં એક વહુ સસરાની લોડેડ ગન સાથે સેલ્ફી પડાવી રહી હતી, તે વખતે તેનાથી ટ્રીગર દબાઈ જતાં બંદૂકમાંથી ગોળી છૂટી હતી, જે વહુના ગળાની આરપાર થઈ જતાં ત્યાં તેનું પ્રાણપંખેરું ઉડી ગયું હતું. યુપીના હરદોઈમાં બનેલી ઘટનામાં રાધિકા ગુપ્તા નામની માત્ર ૨૬ વર્ષની યુવતી પોતાના સસરા રાજેશ ગુપ્તાની સિંગલ બેરલ ગન સાથે સેલ્ફી લઈ રહી હતી. રાધિકાને ખબર નહોતી કે ગન લોડેડ છે, અને તેણે ફોટો સારો આવે તે માટે ટ્રીગર પર આંગળી મૂકી હતી, પરંતુ ભૂલથી ટ્રીગર દબાઈ જતાં રાધિકા ત્યાં ઢળી પડી હતી. રાધિકાના લગ્ન હજુ બે મહિના પહેલા આકાશ ગુપ્તા સાથે થયા હતા. જોકે, રાધિકાના પિતાએ કિસ્સામાં કંઈક રંધાયું હોવાની શંકા વ્યક્ત કરીને રાધિકાના સાસરિયા સામે પોલીસ ફરિયાદ કરી છે.

ગનની માલિકી ધરાવતા રાજેશ ગુપ્તાએ જણાવ્યું હતું કે પંચાયતની ચૂંટણીને કારણે ગનને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં જમા કરાવાઈ હતી, જેને દીકરો ગુરુવારે બપોરે ત્રણ વાગ્યે લઈને આવ્યો હતો. ગનને ઘરના બીજા માળે રખાઈ હતી, જ્યાં રાધિકા તેને હાથમાં લઈ ફોટા પડાવી રહી હતી. સાંજે ચાર વાગ્યે અચાનક ધડાકો સંભળાતા ઘરના લોકો ગભરાઈને ઉપરના માળે દોડ્યા હતા. તેમણે જોયું કે રાધિકાને ગોળી આવી છે, અને તે લોહીલૂહાણ હાલતમાં જમીન પર પડી હતી. તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાઈ હતી, પરંતુ ત્યાં સુધી તેનું પ્રાણપંખેરું ઉડી ચૂક્યું હતું. ઘટના બની તે વખતે રાધિકાના ફોનમાં સેલ્ફી મોડ ઓન હતો.

સ્થાનિક પોલીસ સ્ટેશનના અધિકારીના જણાવ્યા અનુસાર, ૧૨ બોર સિંગલ બેરલ ગન અને મૃતકના ફોનને ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવ્યા છે. બંદૂકમાંથી ગોળી છૂટી તેના સેકન્ડો પહેલા ફોનમાં ક્લિક થયેલો મૃતકનો ફોટો પણ પોલીસને મળી આવ્યો છે.

પીએમના પ્રાથમિક રિપોર્ટ અનુસાર, મૃતકના ગળામાં ગોળી વાગી હતી. તેની કોઈની સાથે ઝપાઝપી થઈ હોય તેવી કોઈ નિશાની નથી મળી.રાધિકાના પતિના જણાવ્યા અનુસાર, તે ગનને જોતા ઉત્સાહમાં આવી જતી હતી. તે ઘણા ફોટા પાડી ચૂકી હતી, પરંતુ તેને વધુ ફોટા લેવા હતા જેથી તેણે ફોનને સેલ્ફી મોડ પર રાખ્યો હતો, પરંતુ તે વખતે તેનાથી ટ્રીગર દબાઈ ગયું હતું. બીજી તરફ, રાધિકાના પિતાએ દહેજના કારણે તેની હત્યા કરી હોવાની શંકા વ્યક્ત કરીને પોલીસ ફરિયાદ નોંધાવી છે.

(7:46 pm IST)