Gujarati News

Gujarati News

News of Saturday, 24th July 2021

GST રજિસ્ટ્રેશન કરવા માટે નાણાકીય સદ્ધરતાની પણ હવે ચકાસણી કરાશે

બોગી બિલિંગ અટકાવવામાં પનો ટૂકો પડતા નવો નિયમ : બોગસ બિલિંગમાં પકડાયા તો રજિસ્ટ્રેશન નંબર તાત્કાલિક રદ કરવાની તૈયારી

મુંબઇ,તા. ૨૪  : જીએસટી લાગુ થયા બાદ બોગસ બિલિંગના વધતા કેસ અટકાવવા માટે દર થોડા દિવસે નવા નિયમો લાગુ કરવામાં આવતા હોય છે. ત્યારે હવે રજિસ્ટ્રેશન નંબરની ફાળવણી કરતા પહેલાં તેની નાણાકીય સદ્ઘરતાની ચકાસણી કર્યા બાદ જ નંબર આપવામાં આવે તે દિશામાં તજવીજ હાથ ધરવામાં આવી રહી છે. જોકે, તેના લીધે પ્રમાળિકતાપૂર્વક વેપાર કરનારાઓની પરેશાની ચોક્કસપણે વધવાની શકયતા નકારી શકાય તેમ નથી.

બોગસ બિલિંગના કૈસ અટકાવવા માટે હાલમાં સ્થળ તપાસની વ્યવસ્થા કરવામાં આવી છે. તેમજ આધારકાર્ડ અને પાનકાર્ડ લીંક હોય તો જ ઝડપથી જીએસટી રજિસ્ટ્રેશન નંબર આપવામાં આવે છે. તેમ છતાં બોગસ બિલિંગના કેસમાં ઘટાડો થવાના બદલે સતત વધારો થઇ રહ્યો છે. આ કારણોસર હવે બોગસ બિલિંગ પર લગામ કસવા માટે પુરજોશમાં અભિયાન હાથ ધરવામાં આવનાર છે. આ માટે જીએસટી રજિસ્ટ્રેશન નંબર લેવા માટે સ્થળ તપાસ કરવાની સાથે સાથે રજિસ્ટ્રેશન નંબર માંગનારની નાણાકીય સદ્ઘરતા પણ તપાસ કરવાની દિશામાં કાર્યવાહી હાથ ધરવાની વિચારણા કરવામાં આવી રહી છે. જેથી અધિકારી જયારે સ્થળ તપાસ કરવા જાય ત્યારે તે જે પેઢી શરૂ કરવા માંગે છે તેનો પાછલા વર્ષમાં બેંક ટ્રાન્ઝેકશન કેટલું છે તેની પણ વિગતો માંગવામાં આવશે. તેના આધારે રજિસ્ટ્રેશન નંબર ફાળવવામાં આવે તેવી કાર્યવાહી કરવા વિચારણા કરવામાં આવી રહી હોવાની વિગતો જાણવા મળી છે. (૨૨.૯)

નાણાકીય વિગતોના આધારે વોચ રખાશે

નાણાકીય સદ્ઘરતાના આધારે આવી પેઢીઓને અલગ તારવીને તેઓ પર સતત મોનિટરિંગ કરવામાં આવશે. કારણ કે જે પેઢીની નાણાકીય ક્ષમતા જ ૧૦ કરોડની આસપાસ હોય અને તે એક જ મહિનામાં દસ કરોડ રૂપિયાના બિલિંગ કરે તો આવી પેઢી પર અધિકારી જઇને દસ્તાવેજની પુરતી ચકાસણી કરશે. જેથી બોગસ બિલિંગ કરવામાં આવે તો શરૂઆતમાં જ તેને અટકાવી દેવાય અને સરકારને કરોડો રૂપિયાનો ચુનો લાગતો અટકી શકે તેમ છે.

સોફટવેરમાં જ તેને લગતા સુધારા કરવામાં આવશે

જીએસટીમાં ચાલીસ લાખથી ઓછું અને પાંચ કરોડ સુધીની ટર્નઓવર ધરાવતી કંપનીઓને અલગ તારવવામાં આવી જ છે. જયારે પાંચ કરોડથી વધુ ટર્નઓવર ધરાવતી કપનીઓ પણ અલગ જ છે. જેથી જે કંપનીનુ ટર્નઓવર હોય તેના કરતાં વધુ બિલિંગ કરીને વધુ આઇટીસી લીધી હોય તે કપનીનું નામ સોફટવેરમાં સીધુ પોપ અપ થશે અને તેની જાણકારી સરળતાથી અધિકારીઓને મળશે. આવી કપની પર પણ તપાસ કરવામાં આવશે.

(10:19 am IST)