Gujarati News

Gujarati News

News of Friday, 24th July 2020

ગુજરાતમાં ૯૨ ઉત્પાદકોને ૧૯૨ જેટલી નવી પ્રોડકટ માટે મંજુરી

કોરોનાને કારણે ઇમ્યુનિટી વધારતી દવાઓની ભારે ડિમાન્ડ : વિટામીન સી-ડીની દવાનું વેચાણ વધ્યું

નવી દિલ્હી તા. ૨૪ : કોરોના વાયરસ ફાટી નીકળતાં રોગપ્રતિકારક શકિત વધારવાની હોડ લાગી છે. જેના લીધે વિટામિન C અને વિટામિન Dની દવાઓના વેચાણમાં ભારે ઉછાળો આવ્યો છે. કોરોના મહામારીની શરૂઆત થઈ ત્યારથી વધુ ને વધુ ફર્મ આ માઈક્રોન્યૂટ્રિઅન્ટ્સના ઉત્પાદનમાં જોડાઈ છે. ગુજરાત ફૂડ એન્ડ ડ્રગ કંટ્રોલ એડમિનિસ્ટ્રેશન (FDCA)એ એપ્રિલ ૨૦૨૦થી રાજયમાં ૯૨ ઉત્પાદકોને વિટામિન C (ascorbic acid) અને વિટામિન D3 (cholecalciferol)ની દવાઓ બનાવવાની મંજૂરી આપી છે.

ગુજરાત FDCAના કમિશનર એચ. જી. કોશિયાએ કહ્યું, 'આ ૯૨ ઉત્પાદકોને ૧૯૨ જેટલી નવી પ્રોડકટ પરમિશન આપવામાં આવી છે. જેથી તેઓ આ વિટામિન્સના ફોર્મ્યુલેશન અથવા કાચો માલ (એકિટવ ફાર્માસ્યુટિકલ સામગ્રી) તૈયાર કરી શકે.' બેકસ્ટ ફાર્માસ્યુટિકલ્સ ઈન્ડિયા લિમિટેડ, Lincoln ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડ, સેન્ટુરિયન રેમેડિઝ પ્રાઈવેટ લિમિટેડ, કે.સી. લેબોરેટરિઝ પ્રાઈવેટ લિમિટેડ, Halewood લેબોરેટરિઝ લિમિટેડ જેવી કંપનીઓને વિટામિન Cની દવાઓ બનાવવાની મંજૂરી આપવામાં આવી છે.

કેડિલા ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડ, રત્નમણી હેલ્થકેર, Avery ફાર્માસ્યુટિકલ્સ, ગુજરાત ફાર્મા લેબ્સ અને Reino રેમેડિઝને વિટામિન D3ની દવાઓ બનાવવાની મંજૂરી આપવામાં આવી છે. આ માહિતી ગુજરાત FDCAએ આપેલા ડેટા પરથી મળી છે. કોશિયાએ આગળ કહ્યું, 'કોવિડ-૧૯ મહામારી દરમિયાન માગ વધતાં ઘણા નવા ઉત્પાદકો પણ આ વિટામિન્સની દવાઓ બનાવવામાં જોડાયા છે.' મહત્વનું છે કે, ફાર્મા પ્રોડકટ્સમાં વપરાતા વિટામિનના ઉત્પાદન માટે FDCAની મંજૂરી મેળવવી જરૂરી છે. કોરોના મહામારી દરમિયાન લોકો પોતાની રોગપ્રતિકારક શકિત વધારવા માટે પ્રયત્નશીલ છે, પરિણામે વિટામિન C અને D3ની દવાઓની ભારે માગ છે. વિટામિન C અને ઝિંકનું કોમ્બિનેશન રોગપ્રતિકારક શકિત વધારવા માટે સૌથી વધુ ઉપયોગમાં લેવાય છે, તેમ દવા વેચનારોનું કહેવું છે. ગુજરાત સ્ટેટ કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ અસોસિએશન (FGSCDA)ના પ્રમુખ અલ્પેશ પટેલે કહ્યું, 'કોવિડ-૧૯ ફાટી નીકળ્યા પછી વિટામિન C અને ઝિંકની દવાઓની માગ ખૂબ વધી છે. વિટામિન C અને ઝિંકનું વેચાણ ૧૦ ગણું વધ્યું છે અને માગ સતત વધી રહી છે. વિટામિન D3ના સપ્લિમેન્ટનો વપરાશ પણ વધ્યો છે.'

(12:59 pm IST)