Gujarati News

Gujarati News

News of Thursday, 24th June 2021

ચૂંટણી બાદની હિંસાની તપાસ માટે પંચના ધામા

પ. બંગાળના મુખ્યમંત્રીની મુશ્કેલીમાં વધારો થઈ શકે : નેશનલ હ્યુમન રાઈટની ટીમ બંગાળના વિવિધ વિસ્તારોમાં પહોંચી, સભ્યો તપાસ કરીને રિપોર્ટ કોલકાતા કોર્ટને આપશે

કોલકાતા, તા. ૨૪ : પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીઓ બાદ ભાજપના કાર્યકરોને ટાર્ગેટ બનાવીને આચરવામાં આવેલી હિંસામાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીની મુશ્કેલી વધી શકે છે.

કારણકે હિંસક ઘટનાઓ અંગે જાણકારી મેળવવા માટે નેશનલ હ્યુમન રાઈટ કમિશનની એક ટીમ બંગાળના વિવિધ વિસ્તારોમાં પહોંચી છે. ટીમના સભ્યો તપાસ કરીને પોતાનો રિપોર્ટ કોલકાતા હાઈકોર્ટને આપશે. ટીમમાં ૧૧ સભ્યોનો સમાવેશ થાય છે. ગઈકાલે ટીમ કોલકાતા પહોંચી હતી. હવે તેઓ ત્રણ અલગ અલગ ટીમમાં વહેંચાઈને બંગાળના વિવિધ વિસ્તારોમાં પ્રવાસ કરી રહયા છે.

જ્યાં જ્યાં હિંસાની ફરિયાદો મળી છે ત્યાં ટીમ તપાસ કરવા માટે જઈ રહી છે. જોકે મમતા બેનરજીએ કહ્યુ છે કે, બંગાળમાં રાજકીય હિંસાની કોઈ ઘટનાઓ બની નથી. ભાજપ અપપ્રચાર કરી રહી છે.

જોકે રાજ્યપાલે રાજકીય હિંસાને લઈને સતત મમતા બેનરજીની સરકારની ટીકા કરી છે. રાજ્યપાલને અલીપુરદ્વારાના સાંસદની આગેવાની હેઠળ એક પ્રતિનિધિ મંડળ મળ્યુ હતુ. રાજ્યપાલે કહ્યુ હતુ કે, હિંસાની ઘટનાઓ હજી પણ બની રહી છે તે કમનસીબ વાત છે.જેમાં પોલીસ અને વહિવટીતંત્ર પણ સામેલ છે.

ઉલ્લેખનીય છે કે, કોલકાતા હાઈકોર્ટના આદેશથી હ્યુમન રાઈટ કમિશનની એક ટીમ તપાસ માટે બનાવવામાં આવી છે. આદેશ સામે મમતા બેનરજીની સરકારે પુનઃવિચારણા કરવા માટે દાખલ કરેલી અરજીને હાઈકોર્ટે ફગાવી દીધી છે.

(7:39 pm IST)