Gujarati News

Gujarati News

News of Thursday, 24th June 2021

ફરીયાદના ૨૪ કલાકમાં સોશ્યલ મીડીયા કંપનીઓએ ફેક એકાઉન્ટ બંધ કરવા પડશે

કેન્દ્ર સરકારે નવા આઈટી નિયમો હેઠળ પગલા લેવા પડશેઃ ફેસબુક, ટ્વીટર, યુ-ટયુબ વગેરેએ નિયમોનું પાલન કરવુ પડશે : જાણીતી હસ્તીઓના ફેક એકાઉન્ટ ઉપર હવે રોક લાગશેઃ ફરીયાદ થતા જ ફેક પ્રોફાઈલને બંધ કરવાનું ફરજીયાત બનાવાયું

નવી દિલ્હી, તા. ૨૪ :. ફેસબુક, ટ્વીટર, ઈન્સ્ટાગ્રામ અને યુ-ટયુબ જેવા સોશ્યલ મીડીયા પ્લેટફોર્મ પર હવે જાણીતી હસ્તીઓ, પ્રભાવશાળી વ્યકિતઓ કે જાણીતા બીઝનેશમેન જ નહિ પરંતુ આમ આદમીના ફેક પ્રોફાઈલ ઉપર રોક લાગી શકશે. કેન્દ્ર સરકારે નવા આઈટી નિયમો હેઠળ સોશ્યલ મીડીયા કંપનીઓને ફરીયાદના ૨૪ કલાકની અંદર ફેક પ્રોફાઈલને બંધ કરવાનું ફરજીયાત કરી દીધુ છે. કેન્દ્ર સરકારનું કહેવુ છે કે આ પગલુ નવા આઈટી નિયમોનો ભાગ છે તેથી સોશ્યલ મીડીયા દિગ્ગજોએ આ પ્રકારની ફરીયાદ મળ્યા બાદ તરત જ કાર્યવાહી કરવી પડશે.

ઉદાહરણ તરીકે જો કોઈ ફોલોઅર્સ વધવા કે પોતાના મેસેજને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવા માટે કોઈ જાણીતા ફિલ્મ એકટર કે ક્રિકેટર કે રાજનેતા કે કોઈ અન્ય યુઝરની તસ્વીરનો ઉપયોગ કરતા હોય છે. સત્તાવાર સૂત્રોએ જણાવ્યુ છે કે એવામાં સંબંધીત વ્યકિતને પોતાની તસ્વીરના ઉપયોગને લઈને કોઈ વાંધો હોય તો તે ફરીયાદ કરી શકે છે. આ પ્રકારની જોગવાઈઓને સોશ્યલ મીડીયા કંપનીઓ માટે નવા આઈટી નિયમોમાં સામેલ કરવામાં આવેલ છે. એવામાં જો કોઈ વ્યકિત ફરીયાદ કરે તો તેની ફરીયાદનું નિવારણ સોશ્યલ મીડીયા કંપનીએ કરવુ પડશે.

સોશ્યલ મીડીયા પ્લેટફોર્મ પર જાણીતી હસ્તી, વગવાળી વ્યકિત કે જાણીતા ઉદ્યોગપતિના ફેક પ્રોફાઈલની મોટી સમસ્યા છે જે પ્યોર-પ્લે-પૈરોડી એકાઉન્ટથી લઈને મસ્તી કે અપરાધ કરવા કે નાણાકીય છેતરપીંડી કરવા માટે બનાવવામાં આવેલા ખાતા સુધી થઈ શકે છે. કેટલાક એવા ખાતા લોકપ્રીય હસ્તીઓના પ્રસંશકો દ્વારા પણ બનાવવામાં આવે છે તો કેટલાક બોટસના માધ્યમથી પણ ચલાવવામાં આવે છે. એક લોકપ્રિય વ્યકિતની છબીને પોતાના પ્રોફાઈલ ચિત્રના સ્વરૂપમાં ઉપયોગ કરવા સિવાય કેટલીક ફેક પ્રોફાઈલ નિકટતાનો દાવો કરવા અને અહેસાન મેળવવા માટે મૂળ સામગ્રીને મોર્ફ કરીને કોઈ હસ્તી કે રાજનેતાની તસ્વીરમાં પોતાની છબી જોડી દે છે.

એક વેરીફાઈડ એકાઉન્ટ અંગે માહિતી પણ સીમીત છે. અનેક યુઝર્સને ખબર નથી કે ટ્વીટર પર એક બ્લુટીક, એક વેરીફાઈ કરવામાં આવેલ એકાઉન્ટને દર્શાવે છે. નવા આઈટી નિયમ ઉપયોગ કર્તાઓને પોતાના ખાતાને વેરીફાઈ કરવાનો વિકલ્પ આપવાનો ઉલ્લેખ કરતા હોય છે, પરંતુ તેને એક સ્વૈચ્છીક પ્રેકટીસના સ્વરૂપમાં જોવામાં આવતા હોય છે. આ આદેશ એવા પ્લેટફોર્મ માટે અનિવાર્ય કરવામાં આવેલ છે જેને મહત્વપૂર્ણ સોશ્યલ મીડીયા મધ્યસ્થોના રૂપમાં જોવામા આવે છે કે પછી તેની પાસે ૫૦ લાખથી વધુ યુઝર્સ હોય.

(10:35 am IST)