Gujarati News

Gujarati News

News of Wednesday, 24th June 2020

૬૧ ટકા ભારતીયોને દેશની સુરક્ષાની બાબતે રાહુલ ગાંધી ઉપર નથી ભરોસો

રાષ્ટ્રીય સુરક્ષાની વાત આવે તો ૩૯ ટકા ભારતીયો રાહુલ ઉપર કરે છે ભરોસો : રાહુલ ગાંધી ઉપર મુસ્લિમ સમુદાયના ૪૩.૯ ટકા લોકો ભરસો કરે છે

નવી દિલ્હી તા. ર૪: લદ્દાખમાં એલએસી પાસે ચીની સેના સાથે અથડામણમાં ર૦ ભારતીય જવાનો શહીદ થયા પછી બન્ને દેશો વચ્ચે તંગદિલી છે. આ બાબતે કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદી દ્વારા લેવાયેલ પગલાઓ પર સતત સવાલો ઉઠાવ્યા છે. આઇએએનએસસી વોટર સ્નેપના નવા પોલ અનુસાર, જયારે રાષ્ટ્રીય સુરક્ષાની વાત આવે છે તો ફકત ૩૯ ટકા ભારતીય લોકો રાહુલ ગાંધી પર ભરોસો કરે છે, જયારે ૬૧ ટકા લોકો તેમના પર વિશ્વાસ નથી મુકતા.

ફકત ૧૪.૪ ટકા લોકોએ કહ્યું કે તેઓ મોટા ભાગે રાહુલ ગાંધી પર ભરોસો કરે છે, જયારે ર૪.૩ ટકા લોકો તેમના પર અમુક હદ સુધી ભરોસો કરે છે તો ૬૧.૩ ટકા લોકોએ કહ્યું કે તેઓ રાષ્ટ્રીય સુરક્ષા મુદ્દે રાહુલ ગાંધી પર ભરોસો નથી કરતા. ૧૬ ટકા પુરૂષ અને ૧ર ટકા મહિલાઓ રાહુલ ગાંધી પર વધારે પડતો ભરોસો મુકે છે જયારે લગભગ ર૬ ટકા પુરૂષો અને રર.૬ ટકા મહિલાઓ રાહુલ ગાંધી પર અમુક હદ સુધી ભરોસો મુકે છે.

રાહુલ ગાંધીને સૌથી વધારે ભરોસો મુસ્લિમ સમાજમાંથી મળ્યો છે. આ સમાજના ૪૩.૯ ટકા લોકો તેમના પર વધારે પડતો ભરસો કરે છે, જયારે ૩૯.૩ ટકા લોકો અમુક હદ સુધી ભરોસો કરે છે. જયારે આ સમાજના ૧૬ ટકા લોકો રાહુલ ગાંધી પર બિલ્કુલ ભરોસો નથી કરતા. સર્વે અનુસાર, લગભગ ૯૦ ટકા કિશ્ચીયન અને ૭૧ ટકા શીખ રાહુલ ગાંધી પર ભરોસો નથી કરતા. શૈક્ષણિક સ્તરની વાત કરીએ તો ૬૭.ર ટકા ઉચ્ચ શિક્ષિત લોકો રાહુલ ગાંધી પર ભરોસો નથી કરતા જયારે ઉચ્ચ આવક વર્ગના ૭ર ટકા લોકો કોંગ્રેસના આ નેતા પર ભરોસો નથી કરતા. જાતિની વાત કરીએ તો ૬૯ ટકા સવર્ણો અને ૭૧ ટકા અનુસૂચિત જન જાતિના લોકો ભૂતપૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ પર ભરોસો નથી કરતો.

(11:37 am IST)