Gujarati News

Gujarati News

News of Monday, 24th June 2019

ઈઝરાયેલ સાથેનો ૩૫૦૦૦ કરોડનો સોદો ભારતે કર્યો રદ્દ

હવે બે વર્ષમાં ભારતમાં જ બનશે અત્યાધુનિક એન્ટી ટેન્ક મિસાઈલ બે વર્ષમાં આ મિસાઈલ બનાવવાનો ડીઆરડીઓનો વાયદો

નવી દિલ્હી, તા. ૨૪ :. ભારતે ઈઝરાયેલ સાથે કરેલ ૫૦૦ મીલીયન ડોલર (લગભગ ૩૫ હજાર કરોડ રૂપિયા)નો હથીયારોનો એક સોદો રદ્દ કર્યો છે. ભારતે ઈઝરાયેલ સાથે સ્પાઈક એન્ટી ટેન્ક મિસાઈલ ખરીદવા માટે સોદો કર્યો તો પણ ભારતના રક્ષા અનુસંધાન અને વિકાસ સંગઠન (ડીઆરડીઓ)ના એક વાયદા ઉપર આ સોદો કેન્સલ કરી નાખ્યો છે. ડીઆરડીઓએ કહ્યું કે તે બે વર્ષની અંદર બરાબર આ જ પ્રકારની એન્ટી ટેન્ક મિસાઈલ બનાવી લેશે.

ઈઝરાયેલ સાથે કરાયેલ સમજુતિમા સામેલ એક અધિકારીએ જણાવ્યુ કે ઈઝરાયેલને આ સોદો રદ્ કર્યાની જાણ કરી દેવાય છે. ડીઆરડીઓએ વીઈએમ ટેકનોલોજી લીમીટેડ સાથે મળીને બિલકુલ એવી જ મિસાઈલ બનાવવાનો વાયદો કર્યો છે. ડીઆરડીઓએ મિસાઈલને વિકસીત કરવા માટે ઈઝરાયેલ કરતા ઓછા પૈસા માંગ્યા હોવાથી ભારત હવે ડીઆરડીઓને ઓર્ડર આપશે.

સરકારી અધિકારી પાસેથી મળેલી માહિતી અનુસાર ભારતની હથિયારો ડેવલપ કરતી સંસ્થા ડીઆરડીઓ મેન પોર્ટેબલ એન્ટી ટેન્ક ગાઈડેડ મિસાઈલ (એમપીએટીજીએમ) બનાવવાની દિશામાં બહુ ઝડપથી આગળ વધી રહી છે. ડીઆરડીઓ આ અંગેના ઘણા પરિક્ષણો પણ કરી ચૂકયુ છે અને ડીઆરડીઓએ દાવો કર્યો છે કે, આ મિસાઈલનું એક સફળ પરિક્ષણ ગયા વર્ષે સપ્ટેમ્બરમાં અહેમદનગરમાં કરાયુ હતું.

ડીઆરડીઓમાંથી મળેલી માહિતી અનુસાર, આ મિસાઈલ અંગે ભારતીય સૈન્યના ઉચ્ચ અધિકારીઓ અને ડીઆરડીઓ વચ્ચે મુલાકાતો પણ થઈ ગઈ છે. સૈન્યની રક્ષા સંબંધી જરૂરીયાતો તેમની પાસેથી જાણી લીધા પછી ડીઆરડીઓએ સૈન્યને મિસાઈલ આપવા માટેની ફાઈનલ તારીખ પણ જણાવી દીધી છે.

રક્ષા મંત્રાલયના અધિકારીઓ અનુસાર ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મેક ઈન ઈન્ડીયાની પહેલને સાકાર કરવાની દિશામાં આ એક મોટું પગલુ છે. રક્ષા મંત્રાલયના એક વિશ્વાસુ સૂત્રએ જણાવ્યુ કે આગામી દિવસોમાં ભારત બીજા દેશો પાસેથી રક્ષા સામગ્રી ખરીદવાના બદલે દેશમાં જ આવી મિસાઈલો અને ટેંક બનાવવા પર ધ્યાન આપશે.

સરકારી અધિકારીઓનું કહેવુ છે કે આ સોદામાં પણ રાફેલ જેવો વિવાદ ઉભો થવાની શકયતા હતી. ભારત સરકાર હવે આવા કોઈ મુદ્દાને ઉભા નથી દેવા ઈચ્છતી. ડીઆરડીઓને ઓર્ડર આપવાનું એ બાબતનો સંકેત આપે છે.

(4:00 pm IST)