Gujarati News

Gujarati News

News of Monday, 24th May 2021

યાસ વાવાઝોડું ૨૬મીએ બંગાળ, ઓડિશાના દરિયા કિનારે ટકરાશે

લો પ્રેશરે વિકરાળ વાવાઝોડાનું સ્વરૂપ ધારણ કર્યું : ૧૮૦ કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ પવન ફૂંકાઇ શકે છે, વાવાઝોડાની અસર ૨૭મી મે સુધી રહી શકે છે

નવી દિલ્હી, તા. ૨૪ : બંગાળની ખાડીમાં બનેલા લો પ્રેશરે હવે વિકરાળ વાવાઝોડા 'યાસ'નું સ્વરૂ ધારણ કરી લીધું છે. હવે તે ઉત્તર- ઉત્તર પશ્ચિમ તરફ ધીમે-ધીમે આગળ વધી રહ્યો છે. તેની ગતિ વધીને તે ભીષણ ચક્રવાતી તોફાનમાં ફેરવાઇ જશે. હવામાન વિભાગનું કહેવું છે કે, આગામી ૨૪ કલાક દરમિયાન ગંભીર ચક્રવાતી તોફાન ઉત્તર- ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધવાનું ચાલુ રાખશે. ૨૬ મે સવાર સુધી ઉત્તર ઓડિશા અને પશ્ચિમ બંગાળના દરિયા કિનારે ટકરાશે. દરમિયાન ૧૮૦ કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ પવન ફંકાઇ શકે છે.

હવામાન વિભાગ અનુસાર, તે પારાદીપ અને સાગર દ્વીપ વચ્ચે ૨૬મી મેના રોજ બપોરની આસપાસ અતિ ભીષણ ચક્રવાતી તોફાનના રૂપમાં પહોંચવાની સંભાવના છે. હવામાન વિભાગે ઓડિશા, પશ્ચિમ બંગાળ, આંધ્ર પ્રદેશ, તમિલનાડુ, ઝારખંડ, બિહાર, આસામ, મેઘાલય, સિક્કીમ સહિતના રાજ્યોના મુખ્ય સચિવને એલર્ટ મોકલ્યું છે. હવામાન વિભાગ અનુસાર, વાવાઝોડાની અસર ૨૭ મે સુધી રહી શકે છે.

બીજી બાજુ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ઓડિશા, આંધ્ર પ્રદેશપશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીઓ અને અંડમાન નિકોબાર દ્વીપ સમૂહના ઉપરાજ્યપાલ સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા બેઠક કરશે. જેમાં વાવાઝોડા યાસને લઇને તૈયારીઓની સમીક્ષા કરશે.

હવામાન વિભાગ અનુસાર, વાવાઝોડાની અસરથી બંગાળમાં ગંગા તટના મોટાભાગના વિસ્તારોમાં હળવાથી મધ્યમ કક્ષાનો વરસાદ ખાબકી શકે છે. ૨૭મી મે કેટલાક સ્થળે ભારે વરસાદ ખાબકી શકે છે. બંગાળની ખાડી, પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશના કિનારે દરિયામાં હાઈ ટાઈડની સ્થિતિ સર્જાઈ શકે છે. દરિયો તોફાની બનનાર હોઈ માછીમારોને બીજી સૂચના મળે ત્યાં સુધી સમુદ્રમાં નહીં જવાની તાકીદ કરી દેવાઈ છે.  

(8:11 pm IST)