Gujarati News

Gujarati News

News of Monday, 24th May 2021

પહેલવાન સુશીલ કુમારને દિલ્હીની કોર્ટમાં હાજર કરાયો : છ દિવસના રિમાન્ડ મંજુર

પોલીસે તેના સાથી અજયનાં પણ પોલીસે 6 દિવસના રિમાન્ડ મેળવ્યા

નવી દિલ્હી : દિલ્હી પોલીસે પહેલવાન સુશીલ કુમારની ધરપકડ કરીને રોહિણી કોર્ટમાં રજૂ કર્યો હતો. અહીં કોર્ટે પોલીસને સુશીલના 6 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. સુશીલની સાથે ધરપકડ કરાયેલા તેના સાથી અજયનાં પણ પોલીસે 6 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા.

રોહિણી કોર્ટે દિલ્હી પોલીસને 30 મિનિટ સુધી કોર્ટ રૂમમાં પૂછપરછ કરવાની છૂટ આપી હતી. આ પછી દિલ્હી પોલીસે કોર્ટ રૂમમાં સુશીલ કુમારની પૂછપરછ કરી. દિલ્હી પોલીસે સુશીલ કુમારના 12 દિવસના રિમાન્ડની માંગ કરી હતી. આ પછી કોર્ટે અડધો કલાક માટે આદેશ સુરક્ષિત રાખ્યો હતો.

પોલીસે કોર્ટમાં રિમાન્ડ મેળવતાં દલીલ કરી હતી કે સુશીલને છત્રસાલ સ્ટેડિયમ લઇ જવો છે અને સીસીટીવી ફૂટેજ પણ બતાવવાનાં છે. પોલીસે જણાવ્યું કે આ ઘટનામાં સુશીલે પહેરેલા કપડાંને પણ રિકવર કરવાનાં બાકી છે. આ સાથે જ હત્યામાં વપરાયેલ હથિયાર પણ પ્રાપ્ત કરવાનું છે. વળી, સાથે જ જે કારમાં મૃતકને લઈ જવામાં આવ્યો તે પણ કાર કબજે કરવાની છે.

સુશીલને એ હકીકત વિશે પણ પૂછપરછ કરવાની છે કે જે લોકો ઘટના સમયે હાજર હતા તેમની પણ ઓળખ કરવાની છે. આ સાથે પોલીસે કોર્ટને જણાવ્યું કે, જે મોબાઇલ ક્લિપ મળી છે તે મોબાઇલમાં ચેડા કરવામાં આવી નથી. સ્થાનિક પોલીસે સુશીલની લાંબા સમય સુધી પૂછપરછ કરવી પડશે. આ કેસમાં આસૌડા ગેંગનો મામલો સામે આવ્યો છે, તેથી દરેક વ્યક્તિની ઓળખ કરવી જરૂરી છે.

(12:00 am IST)